જૂનાગઢ : આજથી માં જગદંબાના શારદીય નવરાત્રા શરૂ થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ નારી શક્તિ ગ્રુપ દ્વારા અનોખી રીતે માતાજીના ગરબા આધારિત અંતાક્ષરીનું આયોજન કર્યું હતું. જેમાં 100 જેટલી બહેનોએ ભાગ લઈને નવરાત્રીની પૂર્વ સંધ્યાએ અંતાક્ષરીના રૂપમાં માં જગદંબાના ગરબા કરીને અનોખી રીતે નવરાત્રીને વેલકમ કર્યું હતું. નવરાત્રિના નવ દિવસો દરમિયાન માં જગદંબાના ગરબાનું આયોજન થતું હોય છે. પરંતુ નવરાત્રી પૂર્વે મહિલાઓમાં ગરબાને લઈને એક અનોખા ઉત્સાહની સાથે ઝોમનું સંચાર થાય તે માટે માં જગદંબાના ગરબાને અંતાક્ષરીના રૂપમાં ફિલ્મી સ્ટાઇલે રજૂ કરવાની એક તક પ્રાપ્ત થઈ હતી. જેમા મહિલાઓ ખૂબ જ ઉમળકા ભેર ભાગ લઈને અલગ અને અનોખી રીતે નવરાત્રીને વેલકમ કર્યું હતું.
મહિલાઓએ બનાવ્યા આકર્ષક ચાંદલા : મહિલાઓ દ્વારા ગરબા અંતાક્ષરી બાદ કપાળ પર ચાંદલા બનાવીને પણ નવરાત્રીને અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ચાંદલાને સૌભાગ્યની સાથે શક્તિ અને ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. કોઈ પણ મહિલા તેના કપાળ પર ચાંદલા વિના ક્યારેય જોવા મળતી નથી. મહિલાની સુંદરતાની સાથે તેના સાહસ અને હકારાત્મક ઊર્જાના પ્રતિક રૂપે આજે પણ ચાંદલાને માનવામાં આવે છે. ત્યારે આજે મહિલાઓએ પણ એક બીજાના કપાળ પર નૈસર્ગિક કલરનો ઉપયોગ કરીને અવનવી ભાત અને ડિઝાઇનના ચાંદલા પણ બનાવ્યા હતા.
મહિલાઓએ આપ્યો પ્રતિભાવ : અંતાક્ષરી સ્પર્ધાના એક સંયોજક તરીકે પારુલબેન સૂચકે માતા જગદંબાના ગરબાને અંતાક્ષરીના રૂપમાં રજૂ કરીને શરૂ થતી નવરાત્રીને અલગ અંદાજમાં આવકાર આપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તો બીજી તરફ ચાંદલાને લઈને પૂજાબેન વસંત પણ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીના કપાળ પર ચાંદલો શક્તિ સૌંદર્ય અને ઊર્જાનું પ્રતીક છે. ચાંદલાનું મહત્વ આટલું મોટું છે જેથી કરીને આગામી નવરાત્રીના તહેવારો દરમિયાન મહિલાઓ શણગારની સાથે ચાંદલાને પણ મહત્વ આપે અને આપણી આ પરંપરા ફરી એક વખત અર્વાચીન સમયની યાદ અપાવે તે માટે આયોજન કરાયું હતું.