બનાસકાંઠા: વડગામ તાલુકાના ધનપુરા નજીક કારમાં મળેલા મૃતદેહ બાબતે પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ હોટલમાં કામ કરતા મજૂરનો હોવાનું સાબિત થયું હતું. ઉપરાંત આ બાબતે સાગરીતોએ કબુલાત પણ કરી હતી જેના અંતર્ગત પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી મૃતકના પત્નીની અરજી અને DNA ના આધારે સત્યતા જાણવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ મુજબ 27 ડિસેમ્બરની સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી કે, ધનપુરા નજીક એક સળગેલી કારમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતે જ પોતાની કારમાં મૃત્યુ પામ્યો છે તેવું ઢોંગ રચી ઇન્શ્યોરન્સના પૈસા મળી પોતાનું દેવું ભરપાઈ થઈ જાય તેવા ઈરાદાથી સમગ્ર તરકટ રચ્યું હોવાનું ખુલ્યું છે.
પોતાના જ મોતનો રચ્યો ઢોંગ: પોલીસે કારમા મળેલા મૃતદેહનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટિમો બનાવી પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમના રિમાન્ડ માંગી કડક પૂછપરછ કરતા તેમણે મુખ્ય માસ્ટર માઈન્ડ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર સાથે મળી હોટલમાં નોકરી કરતા વિરમપુરના રેવાભાઈ ગામેતી નામના મજૂરની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત મૃતદેહને કારમાં રાખીને સળગાવી દીધો હોવાની કબૂલાત કરી હતી.
જોકે હજુ આ મામલે પણ પોલીસે મૃતકની પત્નીની ગુમ થયાની અરજીના આધારે DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે, જેથી એ સાબિત થઈ શકે કે મૃતક રેવાભાઈ ગામેતી જ છે.
માસ્ટર માઈન્ડ પોલીસ પકડથી દૂર: મહત્વનું છે કે, પોતાનુ દેવું ભરપાઈ થઈ જાય અને એક કરોડથી વધુની રકમનો વીમો પાસ થઈ મોટી રકમ મળી જાય તે માટે પોતાના જ મોતનો ખેલ રચનાર માસ્ટર માઈન્ડ હોટલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. આ માહિતી પાંચ સાગરીતોની કબૂલાત બાદ પોલીસના ધ્યાનમાં આવી હતી. અને સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો હાલ તો સામે આવ્યો છે.
જોકે હજુ પણ માસ્ટર માઈન્ડ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર પોલીસ પકડમાં નથી આવ્યો ત્યારે પોલીસને પણ વિચારવામાં મજબૂર કરે તેવા ક્રાઈમ પ્લાનમાં હજુ પણ નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: