જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ અમીપરા તેમના 25 કરતા વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જૂનાગઢ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વિનુભાઈ અમીપરા સહિત તમામ અગ્રણી અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. જૂનાગઢ મનપાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો હતો. કોંગ્રેસમાં જોવા મળતો જૂથવાદ આજે ચરમસીમાએ પહોંચતા જૂનાગઢ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
તો બીજી બાજુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડીને વિનુભાઈ અમીપરા બુધવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેને પરિણામે કોંગ્રેસ નેતા વિહીન થઈ રહ્યું છે. ત્યારે કોંગી કાર્યકરો દ્વારા ભાજપમાં સામેલ થયેલા વીનુભાઈ સહિતના કાર્યકરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો સાથે જ તેમની વિરૂદ્ધ સુત્રોચાર કરીને આશ્વાસન રૂપે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢ મનપાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ટિકિટોની ફાળવણીને લઈને કોંગ્રેસના બે જૂથો સામસામે આવ્યા હતા. ત્યારે ફોર્મ ભરવાના અતિમ દિવસે વિનુભાઈ અમીપરાના કેટલાક ટેકેદારોને ટીકિટ ન મળતા વિનુભાઈ ગત છઠ્ઠી તારીખે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. અમીપરાના રાજીનામા બાદ કોંગ્રેસના કાર્યકરો જાણે કે, રાજીનામું આપવાની હોડમાં તેમ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી રહ્યા હતા. છઠ્ઠી તારીખે જૂનાગઢ મનપા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. તેને લઈને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ તેમની ટીકિટ અને મેંન્ડેડને લઇને ચિંતિત હતા. કેટલાક ઉમેદવારોએ અપક્ષમાંથી ઝંપલાવ્યું હતું .તો કોંગ્રેસના ચાર કરતાં વધુ વર્તમાન કોર્પોરેટરોએ NCP માંથી તેમની ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસને અલવિદા કહી હતી.
વિનુભાઈ અમીપરાની રાજકીય કારકિર્દી પર એક નજર
- આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયા હતા. વિનુભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. એન્જિનિયરનો અભ્યાસ કરીને જૂનાગઢમાં રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે વિનુભાઈ સંકળાયેલા હતા. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અમીપરા મતદારો પર પકડ ધરાવતા રાજકીય નેતા હતા. યુવક કોંગ્રેસના પ્રમુખનું પદ પણ વિનુભાઈ અમીપરાએ જૂનાગઢ જિલ્લામાં સંભાળ્યું હતું.
- વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પોરબંદર લોકસભા બેઠક પરથી વિનુભાઈ અમીપરાનો પરાજય થયો હતો. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉજ્જવળ દેખાવને કારણે વિનુભાઈ અમીપરા જૂનાગઢના રાજકારણમાં કોંગ્રેસ પક્ષમાંથી અગ્રણી નેતા બન્યા હતા. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમના ખાસ તકેદારી હોવાનું પણ રાજકીય વર્તુળોમાં માનવામાં આવતું હતું.
- આજથી છ માસ પૂર્વે વિનુભાઈ અમીપરાને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર કોંગ્રેસ ફરી નવચેતન સાથે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને પ્રમુખ તરીકે વિનુભાઈ અમીપરા ભાજપની સામે ખાસ રણનીતિ ઘડીને ભાજપને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં જૂથવાદને કારણે કોઈ મોટી કહી શકાય તેવી સફળતા મળી ન હતી. આજે વાત એટલી હદે વકરી ગઈ કે કોંગ્રેસ માટે એક કદાવર નેતા વિનુભાઈ અમીપરા આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસને જૂનાગઢના રાજકારણમાં ખૂબ મોટું નુકસાન થયું છે.