જૂનાગઢ: સોમવારનો દિવસ શિવ ભક્તો માટે મહત્વનો હોય છે. રાજ્યના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તેમજ વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ વખતે તેમની દર્શનયાત્રા નજર ખેંચનારી બની હતી. આ ત્રણેય નેતાઓ સત્તા સ્થાને હતા ત્યારે તેમની સાથે જિલ્લા અને રાજ્યના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો સતત આસપાસમાં જોવા મળતો હતો. પરંતુ સોમવારે આ ત્રણેય નેતાઓ સોમનાથના દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે માત્ર તેમના પરિવારના સદસ્યો જોવા મળતા હતા.
"એક સમય હતો કે પૂર્વ નેતાઓની સાથે કાર્યકરો સતત જોવા મળતા હતા. સત્તા પર હોય કે ન હોય એવા અનેક નેતાઓના નામ આજે પણ ઇતિહાસમાં છે. તેમના મૃત્યુ સમયે પણ લાખોની સંખ્યામાં કાર્યકરો જોવા મળતા હતા પરંતુ વર્તમાન સમયમાં રાજકીય પરીચિત્ર કંઈક બદલાયેલા સૂરમાં જોવા મળે છે. જ્યાં સુધી નેતા સત્તા સ્થાન પર હોય ત્યાં સુધી પક્ષનો કાર્યકર, પદાધિકારી, ધારાસભ્ય કે સંસદ સભ્ય તેમની આગળ પાછળ પડછાયાની માફક સતત જોવા મળે. પરંતુ જેવી સત્તા ગઈ એટલે પડછાયો શોધવો પણ મુશ્કેલ બની જાય આવી હાલત વર્તમાન સમયના રાજકીય નેતાઓની છે. જે મજબૂત અને સક્ષમ લોકશાહીને ટકાવવા માટે લોક નેતાઓના જન પ્રતિનિધિત્વ પર ખૂબ મોટા સવાલો ઊભા કરે છે."-- ધીરુ પુરોહિત (સિનિયર પત્રકાર)
સત્તાલક્ષી કાર્યકરોની રણનીતિ: રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ જ્યારે મુખ્યપ્રધાન તરીકે કામ કરતા હતા ત્યારે તેઓ ઘણી વખત સોમનાથની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે પક્ષના સામાન્ય કાર્યકરો અને રાજ્ય સ્તરના અનેક નેતાઓ સતત તેમની આગળ પાછળ જોવા મળતા હતા. પરંતુ આજે આનંદીબેનની સાથે તેમની પુત્રી અનાર પટેલ જોવા મળી હતી. ચોક્કસ પણે આનંદીબેન હજુ પણ સત્તા સ્થાને છે. પરંતુ તેમની સાથે જૂનાગઢ કે ગીર સોમનાથ જિલ્લાનો એક પણ કાર્યકર ધારાસભ્ય સંસદ સભ્યની સાથે સંગઠનના પ્રમુખ કે પ્રધાન પણ જોવા મળ્યા ન હતા.
વિજય રૂપાણી પણ સહકાર વિના: વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેનની સાથે તેમના મિત્ર નિતીન ભારદ્વાજ સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. જે રીતે આનંદીબેન સાથે ભાજપનો એક પણ કાર્યકર નેતા કે ધારાસભ્ય ન હતા. તેજ રીતે વિજય રૂપાણી સાથે પણ એક પણ કાર્યકર કે નેતા જોવા મળતા ન હતા. પૂર્વ નેતાઓ સાથે વર્તમાનના કાર્યકરો સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ નિશ્ચિત અંતર બનાવવા માગતા હશે. તેથી જ એક સમયે ખૂબ જ બોલબાલા ધરાવતા પૂર્વ નેતાઓની સાથે આજે એક પણ કાર્યકર જોવા મળતો ન હતો.
નિતીન પટેલે માધ્યમો સાથે કરી વાત: પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શન માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. તેમણે માધ્યમો સાથે વાત કરવાની હિંમત દાખવી. પરંતુ તેઓ પણ સ્થાનિક કાર્યકરો નેતા કે ધારાસભ્યની ગેરહાજરીમાં સોમનાથમાં જોવા મળ્યા હતા. સત્તા ઘટે કે બદલે ત્યારે કાર્યકરો નેતાઓનો સાથ છોડી દેતા હોય છે. તે પ્રકારના દ્રશ્યો સોમવારે સોમનાથમાં જોવા મળ્યા હતા.