જૂનાગઢઃ મકરસંક્રાંતિના દિવસો દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઘરોની અગાસીઓમાં પણ પતંગ રસિયાઓ એકત્ર થતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતો આ તહેવાર સૌરાષ્ટ્રમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્થળોએ ઉજવાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં માત્ર 14મી જાન્યુઆરીના રોજ જ પતંગ ચગાવાય તેવું નથી. આ પંથકોમાં 14મી જાન્યુઆરી ઉપરાંતના દિવસોએ પણ પતંગ ચગાવવાની પ્રથા હતી અને કેટલેક ઠેકાણે આજે પણ 14મી જાન્યુઆરી સિવાય પતંગ ચગાવાય છે. હવે તો જો કે સમગ્ર ગુજરાતમાં 14મી જાન્યુઆરીએ પતંગ ચગાવવાની પ્રથા બની ગઈ છે.
દિવાળીમાં ઉત્તરાયણઃ નવાબી નગરી જૂનાગઢમાં પતંગનો ઈતિહાસ નવાબી શાસનકાળ સાથે સંકળાયેલો છે. જૂના કાળમાં જૂનાગઢમાં મકરસંક્રાંતિના દિવસે પતંગો ઉડતી જોવા મળતી ન હતી. નવાબી સમયમાં દિવાળીના દિવસો દરમિયાન નવાબના પેલેસ પરથી પતંગો ચગતી અને આ પતંગો ખૂબ ખાસ અને વિશેષ પ્રકારે બનાવેલી જોવા મળતી હતી. નવાબની પતંગ ચગે પછી સમગ્ર જૂનાગઢમાં પતંગો ચગાવવાની એક પરંપરા હતી. સામાન્ય રીતે નવાબના પેલેસ પરથી ચગેલી પતંગ કપાયા બાદ કોઈપણ વ્યક્તિના હાથમાં આવે તો તે જેતે વ્યક્તિ માટે ગર્વની પળો પણ માનવામાં આવતી હતી. આજે તો દિવાળીના સમયની સાથે હવે મકરસંક્રાતિના દિવસે પણ પતંગ ચગાવવામાં આવે છે.
ખોટી માન્યતાઃ જૂનાગઢમાં નવાબી શાસનમાં પતંગ ચગાવવાની મનાઈ હતી તે ખોટી માન્યતા છે. નવાબના મહેલ પરથી પણ પતંગો ચકગાવવામાં આવતી હતી. જો કે મહેલમાંથી પતંગો ચગે ત્યારબાદ જ જૂનાગઢ વાસીઓ પતંગ ચગાવતા હોવાના ઉલ્લેખ છે. જૂનાગઢમાં લોકો દિવાળીના દિવસોમાં પતંગ ચગાવાની મજા માણતા હતા. હવે તો જો કે 14મી જાન્યુઆરી સિવાય ઉજવાતી ઉતરાયણ લુપ્ત થઈ રહી છે. જે હવે 14મી જાન્યુઆરીના રોજ જ આખા ગુજરાતમાં પતંગ ચગાવીને ઉજવવામાં આવે છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મકરસંક્રાંતિના દિવસોમાં પતંગ ચગાવવામાં આવતા નહીં. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં દિવાળીમાં પતંગ ચગાવાતા હતા. જેમાં નવાબોના મહેલમાં પતંગ ચગે પછી જૂનાગઢ વાસીઓ પતંગ ચગાવતા હતા. અવનવી પતંગો નવાબોના મહેલમાંથી કપાઈને આવતી. પહેલા ઉત્તરાયણ બાળકોનો તહેવાર ગણાતો હતો. હવે તો નાના મોટા સૌ કોઈ પતંગ ચગાવવાનો આનંદ માણતા જોવા મળે છે...હરીશ દેસાઈ(ઈતિહાસકાર, જૂનાગઢ)