- ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો ગઈકાલે ભાજપમાં જોડાયા
- 24 કલાકમાં ભેસાણ તાલુકા પંચાયતના 2 સભ્યોનું થયું હદય પરિવર્તન
- તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ આયારામ ગયારામની નીતિ વધુ તેજ બની
જૂનાગઢઃ જિલ્લાની ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો ગઈકાલે ભાજપમાં જોડાયા હોય તે પ્રકારનો દાવો જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે ભાજપનો ખેસ ધારણ કરેલા કોંગ્રેસના બે સદસ્યો આજે ફરીથી કોંગ્રેસમાં જોડાયાનો દાવો કરી રહ્યા છે રાણપુર બેઠકના દિલુભાઇ વાંક અને ગળથ બેઠકના રવજીભાઈ ઠુમર ફરી એક વખત કોંગ્રેસમાં છે. તેવો દાવો કરતાં તાલુકા પંચાયતના રાજકારણમાં 24 કલાકમાં સતત બીજી વખત પક્ષ પલટાની રાજકીય ગંધ જોવા મળી રહી છે.
ભાજપના 7 અને કોંગ્રેસના 9 સદસ્યો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા
તાલુકા પંચાયતના પરિણામો બાદ ભેસાણ પંચાયતમાં ભાજપના 7 અને કોંગ્રેસના 9 સદસ્યો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારે ચૂંટણી પરિણામો બાદ તેવું સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભેસાણ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે પરંતુ ગઈકાલે કોંગ્રેસના રાણપુર અને ગળથ બેઠકના કોંગ્રેસના સદસ્ય જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતા જોવા મળ્યા હતા. જેને લઈને ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા દૂર થતી જોવા મળી હતી પરંતુ આજે બંને સદસ્યો ફરી પાછા કોંગ્રેસનો ખેસ ધારણ કરેલા જોવા મળતા ભેસાણ તાલુકાના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
રાણપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો કેસરીયો ખેસ ધારણ કરતાં જોવા મળ્યા
ગઈકાલે રાણપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના દિલુભાઇ વાંક અને ગળથ બેઠક પરથી ચૂંટાયેલા રવજીભાઈ ઠુમરે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતાં જોવા મળ્યા હતા, ત્યારે આજે આ બંને સદસ્યો ફરી પાછા પોતાના માતૃ પક્ષ કોંગ્રેસમાં જોડાયેલા જોવા મળતા હતાં દાવો કર્યો હતો કે, ગઈકાલે તેમને શરત ચૂકથી જિલ્લા ભાજપ કાર્યાલય બોલાવવામાં આવ્યા હતા અને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કરી દીધા હતા પરંતુ અમે કોંગ્રેસ સાથે છીએ કોંગ્રેસના બેનરની ચૂંટણી જીત્યા છીએ અને કોંગ્રેસમાં જ રહેવાના છે. તેમજ કોઈપણ તાકત અમને ખરીદીને ભાજપમાં સામેલ કરી શકે તે વાતનો બંને સદસ્યોએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.