- વાવાઝોડું ગુજરાતના બંદર પર ત્રાટકવાની શક્યતા
- માંગરોળ બંદર પર 10 અને દીવ બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું
- વાવાઝોડાના સંભવિત જોખમને કારણે અધિકારી અને પદાધિકારીનો કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલાયો
- અરબી સમુદ્રમાં આકાર લઈને આગળ વધી રહેલું વાવાઝોડું સંઘ પ્રદેશ દીવના તટીય વિસ્તારો પર ત્રાટકવાની શક્યતા
જૂનાગઢ : અરબી સમુદ્રમાં ભયાનક રીતે આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું સંઘ પ્રદેશ દીવમાં ટકરાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાવાઝોડું સંઘપ્રદેશ દીવથી 180થી લઈને 200 કિલોમીટરની દૂરી પર સ્થિર થયું છે. જે દીવ તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે સોમવારની રાત સુધીમાં તૌકતે વાવાઝોડું સંઘ પ્રદેશ દીવના તટીય વિસ્તારોમાં ત્રાટકવાની બિલકુલ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું
આ શક્યતાઓને પગલે સંઘપ્રદેશ દીવ બંદર પર 8 નંબરનું અને માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારે તૌકતે વાવાઝોડું સતત તીવ્ર ગતિએ સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે, જેના કારણે ચિંતાનું વાતાવરણ પણ હવે ઉભું થઇ રહ્યું છે. વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાઇ જવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. તૌકતે વાવાઝોડાના જોખમને કારણે દરિયામાં પણ વિકરાળ મોજા ઉછળવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાની અસરને પગલે માંગરોળમાંથી કરાયું સ્થળાંતર
વર્ષ 1982 બાદ પ્રથમ વખત માંગરોળ બંદર પર અતિ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું
સોમવારના રોજ માંગરોળ બંદર પર વાવાઝોડાના જોખમને કારણે 10 નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આવી ઘટના વર્ષ 1982 બાદ પ્રથમ વખત થઈ હોવાનું પણ માનવામાં આવે છે. વર્ષ 1982માં સૌરાષ્ટ્રમાં આવેલું વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં તારાજી પણ થઈ હતી. જે તે સમયે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, ત્યારે આજે 1982 બાદ પ્રથમ વખત માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાની તીવ્રતા અને તેની ભયાનકતા અને સ્પષ્ટ દર્શાવી રહ્યું છે, વાવાઝોડાથી લોકોને ઓછું નુકસાન થાય તેના માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તેમજ સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર જિલ્લાના અધિકારીઓ રાજ્ય સરકારના પ્રધાનો અને NDRF અને SDRFની ટીમને પણ વાવાઝોડાની કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જે તે તટીય વિસ્તારો પર મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચો - માંગરોળ બંદર પર એલર્ટ જાહેર, વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર થયું સજાગ