પોરબંદર: આજના આધુનિક સમયમાં લોકો માટે સ્વાસ્થ્ય જાળવવું મહત્વ બની રહ્યું છે. ત્યારે લોકો ઘણી બધી શારીરિક એક્ટીવિટી કરીને પોતાને તંદુરસ્ત રાખે છે જેમાંથી દોડવું એ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં સવાર પડતાની સાથે જ લોકો બાગ બગીચામાં દોડવા માટે પહોંચી જાય છે. દોડવાથી ફિટ રહેવાય છે. ત્યારે લોકોમાં સ્વાસ્થ માટે જાગૃતતા કેળવાય તે માટે પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાફ મેરેથોનમાં લોકોએ દોડ લગાવી: આ હાફ મેરેથોનમાં સવારના 6:00 વાગ્યે કડકડતી ઠંડીમાં દોડવીરોએ દોડ લગાવી હતી. આ કોસ્ટલ હાફ મેરેથોનમાં 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 06 વર્ષથી લઇને 90 વર્ષના બાળક, યુવાઓ અને વૃદ્ધોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કોસ્ટલ હાફ મેરેથોન 2 km, કિડ્સ રન 5km, ફનરન -ચાલવાનું 10 km, ફિટનેસ રન 21 kmનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેરેથોનમાં વહીવટી તંત્રે ફરજ બજાવી: આ મેરેથોનને સફળ બનાવવા માટે નેવી, કોસ્ટ ગાર્ડ, નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ તેમજ મેડિકલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ તથા 108 ઈમર્જન્સીની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા મેરેથોનના દોડવીરોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત: પોરબંદરમાં યોજાયેલ કોસ્ટલ મેરેથોનમાં પોરબંદરનાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો. ત્યારે ઉત્સાહભેર બાળકોએ પણ ફન રનમાં ભાગ લઇને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું તેની જાણકારી પણ મેળવી હતી.
આ પણ વાંચો: