દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.જેની સામે વૃક્ષોનું પ્રમાણે ઘટી રહ્યું છે. એટલે વાતાવરણમાં ઝેરી રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે દીવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી આવા ઝેરી જંતુઓને પોષવાનું કામ કરે છે. સાથે અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. જેથી આવી બીમારીઓને અટકાવવા માટે પર્યાવરણ બચાવની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢની કે.પી.ગોડા હાઈસ્કુલમાં પર્યાવરણને બચાવવા અને પ્રદૂષણને અટકાવવા માટે જાગ્રુતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાણકારી આપીને ફટાકડા ન ફોડવા માટે શપથ લેડાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયમાં એક અઠવાડિયા સુધી વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. જેના કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વિસ્તરે છે. આ બંને ઝેરી વાયુ શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે જે કેટલાક કેસોમાં ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તેથી દિવાળીના તહેવારોમાં ફટાકડા નહીં ફોડવા અથવા તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ફોડવામાં આવે, તો વાતાવરણમાં ફેલાતા હવાના પ્રદૂષણને કંઈક અંશે રોકી શકાય તેમ છે. આથી, વિવિધ સંસ્થાઓ દ્વારા ફટાકડાનો ઉપયોગ ટાળવાની વિનંતી કરવામાં આવી રહી છે.