જૂનાગઢ: પ્રાચીન કાળથી યોજાતા આવતા આ મેળાની સાથે ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી છે. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ગગન વિહાર કરી રહ્યાં હતા. ત્યારે માં પાર્વતીનું સફેદ વસ્ત્ર આ ભૂમિ પર પડ્યું હતું અને તેને લેવા માટે ભગવાન શિવનું આ ધરતી પર અવતરણ થયું હતું, ત્યારથી આ જગ્યાને વસ્ત્રાપથેશ્વર એટલે કે, ભવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.
સોમવાર અને નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળશે.
આ મેળામાં ભાગ લેવા દેશના વિવિધ ભાગોમાંથી જુદા જુદા અખાડાઓના સાધુ-સંતો સહિત દિગમ્બર સાધુઓનું આગમન શરૂ થઈ ગયુ છે અને ભવનાથ તળેટી વિસ્તારમાં ઠેક ઠેકાણે પોતાની નિશ્ચિત જગ્યાઓમાં અલખની ધૂણી ધખાવી શિવતત્વને પામવા સાધના-ભક્તિ કરતાં જોવા મળી રહ્યાં છે.