જુનાગઢ: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને જુનાગઢ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ગઈકાલે 11 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જુનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન પહેલા બપોરે 1:30 વાગે શરૂ થયેલી રેલી જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં આવીને સભામાં પરિવર્તિત થઈ હતી. જ્યાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામાયણના એક-એક પ્રસંગો ટાંકીને ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા
ભગવાન ભવ્યતાના નહીં ભાવના ભૂખ્યા: કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર રામાયણના પ્રસંગોને ટાંકીને પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામાયણમાં રાવણ ભવ્યતાનું પ્રતીક છે તો બીજી તરફ શબરી ભાવનું પ્રતીક છે. રાવણ તેની ભવ્યતા સામે રામને ઝુકાવવા માગતા હતા પરંતુ ભગવાન રામ શબરીના ભાવ સામે ઝુંક્યા હતા. તેવી જ રીતે વર્તમાન કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવને ભવ્યતા ભર્યો બનાવવા માંગે છે, પરંતુ કેન્દ્રની સરકાર અને ભાજપ શબરીના ભાવને ભૂલીને આજે ભવ્યતામાં રાચી રહ્યો છે જે રીતે શબરીને ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા તેવી જ રીતે ભગવાન રામના ભાવ તેમની પાર્ટીને ચોક્કસ પ્રાપ્ત થશે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કટાક્ષ: પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરુ એ પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેના પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટના તેમના સાથી મિત્ર અને ભાજપના દિગ્ગજ નેતાનું નામ લઈને તેમણે વર્ષો પૂર્વેના તેમના સંબંધોને વાગોળ્યા હતા. ભાજપના નેતા જેવા કોઈ પણ નેતા કોંગ્રેસ પાર્ટીમાં જન્મ ન લે તે માટે અમારે હજુ પણ સત્તાથી દૂર રહેવું પડે તો અમને જરા પણ વાંધો નથી તેવું મંચ પરથી જાહેર નિવેદન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.