- રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ
- જૂનાગઢમાં સવારથી ધીમી ધારે વરસાદનું આગમન
- આ વર્ષે શિયાળુ પાકો સારા થવાની ખેડૂતોને આશા
જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અષાઢ મહિનામાં પડેલી વરસાદની ભારે ખેંચ ભાદરવા મહિનામાં પુરી થઈ રહી છે. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે ગુજરાત રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હજુ પણ 24 કલાક વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ
ફરી એક વખત જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ જામી રહ્યો છે. આજ સવારથી જુનાગઢ જિલ્લામાં અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમા સવારથી જ ધીમી ધારે વરસાદ નું આગમન પણ થયું છે,જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ચોમાસાના ભરપૂર મહિના અષાઢમાં વરસાદની અતિભારે ઘટ જોવા મળતી હતી તેની ઘટ હવે ભાદરવા મહિનામાં પૂરી થતી હોય તેવું લાગી રહ્યુ છે. અષાઢ મહીનામાં વરસાદની જે ઘટ હતી તે ચોમાસાના અંતના દિવસોમાં પૂરી થઈ રહી છે.
જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 40 ઈંચ, જૂનાગઢમાં 41 ઈંચની આસપાસ ભેસાણ માં 26 ઈંચ, મેંદરડામાં 36 ઈંચ, માંગરોળમાં 52 ઈંચ, માણાવદરમાં 42 ઈંચ, માળિયા હાટીનામાં 44 ઈંચ અને વંથલી તાલુકામાં 40ઈંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી જવા પામ્યો છે. જિલ્લાના 8 તાલુકાઓમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એક માત્ર ભેસાણ તાલુકા માં અત્યાર સુધીમાં ૮૭ ટકા વરસાદ પડયો છે. 9 તાલુકામાં એકમાત્ર ભેસાણ તાલુકા માંજ 100 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેડૂતો માટે કાચું સોનું
હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને કાચા સોના સમાન માનવામાં આવી રહ્યો છે.આ વરસાદને કારણે શિયાળુ પાકો જેવા કે ઘઉં ચણા અને જીરુંના પાકને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. પાછોતરા વરસાદને કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવવાથી શિયાળુ પાકને પિયત માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે, જેને કારણે શિયાળુ પાક સારો થશે તેવી આસા ખેડૂતો રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં મેઘમહેર યથાવત: સિઝનનો કુલ 84 ટકા વરસાદ તો 4 તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ
આ પણ વાંચોઃ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા, 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું