જૂનાગઢઃ સમયની સાથે ઝડપથી પાક લણી લેવા માટે કેરીના પાકમાં પણ રાસાયણિક ખાતરોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હજુ પણ કેટલાક ખેડૂતો છે કે જેઓ કુદરતી પદ્ધતિના ખાતર સાથે કેરીનો પાક લે છે. જૂનાગઢની કેરી વિશ્વસ્તરે નામના પામી છે તેમાં એવી કુદરતી ખેતીના પાકની કેરીનો ફાળો મોટો છે. જૂનાગઢના ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત અન્ય પાકો લે છે પરંતુ કેરીનો પાક કુદરતી ખેતીથી જ લે છે જેથી તેમની કેરીની મીઠાશ એવી અનોખી છે કે તેનો સ્વાદ તો ચાખ્યો હોય તો જ માણી શકાય.
રાસાયણિક ખાતરની આડઅસરો હવે દુનિયા સમક્ષ આવી રહી છે અને તેનાથી થતાં પાક લોકોમાં અનેક બીમારીઓ ઊભી કરે છે. રાસાયણિક ખાતરના ઉત્પાદનથી પર્યાવરણને પણ હાનિ પહોંચતી હોય છે, જમીનને નુકસાન થતું હોય છે. ત્યારે આવા સમયમાં જૈવિક ખેતીનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે. શહેરોના મોટા મોટા સ્ટોર્સમાં અલગથી ઓર્ગેનિક પેદાશના લેબલ સાથે ઊચા ભાવમાં વિવિધ ફળ, શાક અને અનાજ એટલે જ વેચાતાં હોય છે.
ભાલછેલમાં વર્ષોથી આંબાની ખેતી સાથે સંકળાયેલા સમસુદ્દીનભાઈ કેરીના પાક માટે જૈવિક ખેતી કરી રહ્યાં છે. વર્તમાન સમયમાં વહેલી કેરી બજારમાં પહોંચી જાય તે માટે ખેડૂતો કલટાર નામનું રસાયણ વાપરતાં હોય છે અને તેની સાથે બીજા કેટલાક રાસાયણિક ખાતરો પણ છે. આવી પરિસ્થિતિમાં આંબાનું આયુષ્ય ઘટે સાથે જમીનની ગુણવત્તા પણ ઉતરતી કક્ષાની બને છે. જેની સામે જૈવિક ખેતી આંબાનું આયુષ્ય વધારે છે જમીનની ફળદ્રુપતામાં અકલ્પનીય વધારો કરે છે અને સૌથી મહત્વની વાત જૈવિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલી કેરી ખૂબ જ આરોગ્યપ્રદ બને છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની બોલબાલા વચ્ચે સમસુદ્દીનભાઈ જેવા ખેડૂતો આજે પણ જૈવિક ખેતી સફળતાપૂર્વક કરી રહ્યાં છે. આવા ખેડૂતો માત્ર પોતાનું ઉત્પાદન અને આર્થિક સગવડતા નથી વધારી રહ્યાં પરંતુ જમીનની સાથે વિવિધ ઝાડનું સંરક્ષણ પણ કરી રહ્યાં છે અને સૌથી મોટી વાત જૈવીક ખેતી પદ્ધતિથી કરવામાં આવેલી ખેતી કોઈ પણ વ્યક્તિને રોગમુક્ત બનાવવા માટે પૂરતી છે.