જૂનાગઢ: સોમવારે અંતરીક્ષમાં અનોખી ખગોળીય ઘટના ઘટી રહી છે. કારતક મહિનાની આઠમના દિવસે એટલે કે આજના દિવસે ગુરુ અને શનિ પૃથ્વીના વાતાવરણથી એકદમ નજીક હોવાને કારણે ખૂબ જ તેજસ્વી જોવા મળે છે. સોમવારે દિવસે ગુરુ અને શનિની આ ખગોળીય ઘટના નિહાળવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ટેલિસ્કોપ મૂકીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં જૂનાગઢવાસીઓએ ખૂબ જ ઉત્સુકતા સાથે ખગોળીય ઘટનાને નિહાળી હતી.
ખગોળીય ઘટના: આજના દિવસે ગુરુ પૃથ્વીના વાતાવરણથી સૌથી નજીક જોવા મળે છે જેને કારણે પણ તે ખૂબ જ તેજસ્વી જોવા મળતો હોય છે. સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહ તરીકે ગુરુને સ્થાન આપવામાં આવ્યું છે જેથી પણ તે પૃથ્વી પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. પૃથ્વીથી ગુરુનું અંતર 608.66 મિલિયન કિલોમીટર દૂર છે પરંતુ આજના દિવસે તે પૃથ્વીથી સૌથી વધારે નજીક હોવાને કારણે તે સૌથી તેજસ્વી જોવા મળે છે. વધુમાં આજના દિવસે ગુરુના ચાર ચંદ્રમાં પણ ટેલિસ્કોપના માધ્યમથી જોઈ શકાય છે જેને ગેલેલિયો સેટેલાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુના ચંદ્રનું કદ બુધ ગ્રહ કરતાં પણ વિશાળ હોવાનું ખગોળશાસ્ત્રમાં નોંધાયેલ છે.
'ગુરુ અને શનિ ગ્રહ આજે પૃથ્વીથી સૌથી નજીક હોવાને કારણે તે ખૂબ જ સ્પષ્ટ જોઈ શકાય છે. વધુમાં આજના દિવસે શની અને ગુરુના ચંદ્રમાઓ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ટેલિસ્કોપના માધ્યમથી શનિ ગ્રહના વલયો પણ જોવામાં ખૂબ જ સફળતા આજના દિવસે મળતી હોય છે.' -તુષાર પંડ્યા, વિજ્ઞાન શિક્ષક
શનિના બે ચંદ્ર: આજના દિવસે ગુરુ અને શનિ પૃથ્વીથી ખૂબ નજીક હોવાને કારણે પણ ટેલિસ્કોપના માધ્યમથી તેને સૌથી સારી રીતે જોઈ શકાય છે. ચંદ્રથી 3:6 અંશ ના અંતરે આવેલા શનિ ગ્રહ અને તેના વલયો આજના દિવસે ખૂબ જ સ્પષ્ટ જોઈ શકાય છે. શનિના બે ચંદ્રો ટાઇટન અને બીમાસ આજના દિવસે સૌથી વધારે સ્પષ્ટ અને ચોખ્ખા જોઈ શકાય છે જેની પાછળનું કારણ પૃથ્વી અને શની વચ્ચેનું અંતર નજીક હોવાનું પણ ખગોળવિદો માની રહ્યા છે ત્યારે આજે આ અવિસ્મરણીય બનેલી ખગોળી ઘટનાને જૂનાગઢના લોકો અને વિજ્ઞાનના શિક્ષકોએ ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી હતી.