જૂનાગઢ: વિપક્ષ નેતા જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી અને ઘેડ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે. વંથલી, કેશોદ તાલુકાના અખોદર, બામણાસા સહિતના ગામોમાં ચોમાસુ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જેનું જાતે નિરીક્ષણ કરવા તેમજ ખેડૂતોની આપવીતી સાંભળવા માટે વિપક્ષ નેતા એક દિવસના જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય પણ તેમની સાથે જોડાયા છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ નેતા વિપક્ષની આ પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં તેમની સાથે જોડાઈને ખેડૂતોનો દુઃખ-દર્દ સાંભળી રહ્યા છે.
બીજી તરફ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સત્તાના મદમાં રાચતી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જગતનો તાત આજે અતિભારે વરસાદને કારણે ખૂબ મુશ્કેલીમાં છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોનું દુઃખ દર્દ સાંભળવા માટે ખેતરમાં આવે તે જરૂરી છે. સરકાર દરરોજ નવી જાહેરાતો કરીને ખેડૂતોને છેતરવાનું કામ છેલ્લા કેટલાંય વર્ષોથી કરી રહી છે. આ પરિસ્થિતિમાં જગતનો તાત બિચારાથી લઈને બાપડા સુધી બની ગયો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને જગતના તાતને જે નુકસાન થયું છે, તેનું યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે.