સિંહ સાથે ફોટો કે વીડિયો બનાવવો સામાન્ય બાબત બની ગઈ હોય તેમ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ તેના ખેતરમાં બેઠો કશુંક બોલી રહ્યો છે. તેની બિલકુલ પાછળ બે સિંહ પણ બેઠેલા જોઈ શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડીયો કોનો છે અને ક્યારે બનાવવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ વીડિયોને લઈને કેટલાક લોકો વીડિયોનું સ્થળ ગીરસોમનાથ જિલ્લાનું જામવાળા હોવાનું જણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વન વિભાગ હરકતમાં આવી ગયું છે.
વનપ્રધાન ગણપત વસાવાએ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ વીડિયો ગીરનો ચોક્કસ કહી શકાય પરંતુ ગીરના કયા જિલ્લા અને ક્યાંક ચોક્કસ વિસ્તારનો છે, તે તો તપાસ બાદ જ બહાર આવશે. વાયરલ થયેલા વીડિયોની તપાસ વનવિભાગના CCF દ્વારા કરવામાં આવી રહી હોવાનું પણ પ્રધાને ઉમેર્યુ હતું. આગામી દિવસોમાં વીડિયોની તપાસને અંતે તેમા જે વ્યક્તિ સિંહની આગળ દેખાય છે તે કોણ છે અને આ વિડીયો ક્યાંનો છે તેના પરથી પડદો ઉચકાશે.