જૂનાગઢ : આગામી રવિવારે સાંજે નવરાત્રિ પ્રારંભ થવા જઈ રહ્યો છે. આસો મહિનાની એકમ તિથીએ નવરાત્રિ શરૂ થતી હોય છે ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે સનાતન ધર્મની પરંપરા અનુસાર ઘટ સ્થાપનનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. પરંતુ આ વર્ષે આસો સુદ એકમના દિવસે સવારે ચિત્રા નક્ષત્ર ભદ્રા અને રાહુ કાળ હોવાને કારણે બપોરે 12 અને 45 મિનિટે અભિજીત નક્ષત્રમાં ઘટસ્થાપન કરવું જોઈએ. ઘટ સ્થાપનનો સમય અને નક્ષત્ર વિશે પંડિત પાસેથી જાણીએ.
આસો સુદ એકમ એટલે કે 15 તારીખ અને રવિવારથી શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. પરંતુ આ વર્ષે ઘટ સ્થાપનને લઈને કેટલાક અશુભ યોગ અને નક્ષત્ર નું સર્જન થવાને કારણે ઘટ સ્થાપનના સમયના બદલાવ આવ્યો છે. 15 તારીખ અને રવિવારના દિવસે સવારે ચિત્રા નક્ષત્ર ભદ્રા યોગ અને રાહુકાળનો સંયોગ સર્જાવાથી આવા અમંગળ સમયમાં ઘટ સ્થાપન કરવું કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન માટે અશુભ માનવામાં આવે છે. જેથી 15 તારીખ અને રવિવારના બપોરના 12 અને 45 મિનિટે અભિજીત નક્ષત્રમાં ઘટ સ્થાપન કરવું જોઈએ...ચેતનભાઇ શાસ્ત્રી ( પંડિત )
સનાતન ધર્મમાં નક્ષત્ર અને સમયનું મહત્વ : સનાતન ધર્મના મોટા ભાગના તહેવારો નક્ષત્ર અને જેતે સમયે ગ્રહોની સ્થિતિ પર ખૂબ જ આધારિત હોય છે. ત્યારે આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે સવારના સમયે ચિત્રા નક્ષત્રની સાથે ભદ્રા યોગ અને રાહુકાળ પણ જોવા મળે છે. આવા સમયે કોઈપણ શુભ કાર્ય થતું નથી તેમ છતાં તેને કરવામાં આવે તો તેમાં ખાસ કરીને ધર્મ કાર્યમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેને કારણે પણ આ વખતે અભિજીત નક્ષત્રમાં ઘટ સ્થાપન કરવું જોઈએ. પંડિતો માની રહ્યાં છે કે રાહુને મહામારીના ગ્રહ સાથે પણ જોવામાં આવે છે ત્યારે રાહુ કાળમાં કરેલું કોઈ પણ કાર્ય મહામારી અને કાર્ય કરનાર વ્યક્તિના શરીરમાં અચાનક રોગો ઉત્પન્ન કરતું હોવાની પણ ધાર્મિક માન્યતા છે. જેને કારણે પણ નવરાત્રિના દિવસે રાહુ કાળમાં કોઈ પણ વ્યક્તિએ ઘટ સ્થાપનથી દૂર રહેવું જોઈએ.
ઘટ સ્થાપન પંચતત્ત્વનું પ્રતીક : સનાતન ધર્મમાં નવરાત્રિના તહેવારો દરમિયાન પ્રથમ દિવસે ઘટ સ્થાપન કે જેને પંચતત્વના પ્રતીક તરીકે પણ સનાતન ધર્મમાં માનવામાં આવે છે. માટીથી બનેલો કુંભ શરીરરૂપે પ્રકૃતિ સાથે જોડાય છે જેને પંચતત્વ તરીકે માનવામાં આવે છે. ઘટસ્થાપનમાં સોપારી કે જેને અગ્નિનું તત્વ માનવામાં આવે છે. સોનાને ધાતુના તત્વ સાથે સરખાવવામાં આવ્યું છે. ઘટ સ્થાપન વખતે મુકવામાં આવતું શ્રીફળ આકાશ તત્વની સાથે વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જેના કારણે ઘટ સ્થાપનમાં પંચતત્વનો વાસ થાય છે. જેમાં અખંડ જ્યોત રૂપે જગતજનની માં જગદંબાની હાજરી નવ દિવસ સુધી જોવા મળે છે. જેને કારણે પણ ઘટને પંચતત્વ સાથે જોડવામાં આવ્યું છે. માનવ શરીર પણ પંચતત્વોમાંથી બનેલું છે અને પંચતત્વમાં વિલીન થવાનું છે જેથી નવરાત્રીના સમયે ઘટ સ્થાપનનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
Navratri 2023: નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ માટે AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરાશે
Navratri 2023: ભુજમાં આ વર્ષે પણ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસીસનો ટ્રેન્ડ ટોપ પર