જૂનાગઢ : આવતી કાલે ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં જમ્મુ કાશ્મીરના 17 જેટલા સ્પર્ધકોએ સ્પર્ધાના 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભાગ લીધો છે. આ કાશ્મીરી યુવાનો સ્પર્ધાને જીતવા માટેના દમ ખમ સાથે તૈયારી કરી રહ્યા છે.
આવતી કાલે ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધા : આવતી કાલે યોજાના ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધાના 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જમ્મુ અને કશ્મીરના ઉરી સેક્ટરમાંથી 17 જેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે. તમામ સ્પર્ધકો જૂનાગઢ પહોંચી ચૂક્યા છે અને આજે વહેલી સવારથી જ આવતી કાલની સ્પર્ધાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઘર જેવું વાતાવરણ ગણાવ્યું : જૂનાગઢ આવેલા કાશ્મીરી યુવાનો જુનાગઢના વાતાવરણને બિલકુલ ઘર જેવું વાતાવરણ ગણાવીને તૈયારી કરી રહ્યા છે. ઉરી સેક્ટરના પર્વત વિસ્તારમાં રહેતા આ તમામ 17 સ્પર્ધકો ગિરનારની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થવાનો દમખમ ધરાવી રહ્યા છે અને આવતી કાલે પ્રથમ વખત જમ્મુ કાશ્મીરના સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે દોડ લગાવતા જોવા મળશે.
કાશ્મીર અને જૂનાગઢની પહાડીઓ એક સમાન : જૂનાગઢમાં આયોજિત થનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં આવેલા જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરની ટીમ 360 ના સભ્યોએ ઈટીવી ભારત સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઉરી વિસ્તારમાં આ પ્રકારના પહાડી ક્ષેત્રમાં આજે પણ પરિવાર સાથે રહે છે. દરરોજ તેઓ આ જ પ્રકારે પર્વત પરથી ચડઉતર કરે છે. ત્યારે આવતી કાલની સ્પર્ધા જીતવા માટે તેઓ વધુ આશ્વસ્થ જોવા મળતા હતા. 40 વર્ષના સ્પર્ધાના ઇતિહાસમાં જમ્મુ કાશ્મીરમાંથી પ્રથમ વખત પ્રતિનિધિત્વ કરવા આવેલા યુવાન ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાને જીતવા માટે ખૂબ મહેનત કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ
કશ્મીરનું પ્રતિનિધિત્વ સ્પર્ધાને પ્રોત્સાહિત કરશે : પાછલા ચાલીસ વર્ષથી ગિરનાર પર્વત પર આયોજિત થતી આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં આ વર્ષે પ્રથમ વખત કાશ્મીરનું પ્રતિનિધિત્વ સ્પર્ધામાં જોવા મળે છે. જે સ્પર્ધાનુ ઉલ્લેખનીય પાસુ ગણવામાં આવે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ઘણા ખેલાડીઓએ ભાગ લીધો છે. પરંતુ કાશ્મીર ક્ષેત્રમાંથી પ્રથમ વખત સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે સ્પર્ધામાં ભાગ લીધો છે. આવનારા દિવસોમાં આ સ્પર્ધકો ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાને વધુ ખ્યાતિ અપાવશે.