જૂનાગઢ: ગીરી તળેટીમાં આવેલા પારસધામ ખાતે આજે મુકતાવલી મહા તપ પારણા નો પ્રસંગ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જૈન ધર્મમાં મુક્તાવલી મહાતપ અને ત્યારબાદ આયોજિત થતા પારણાને જૈન સમાજની ધાર્મિક પરંપરા અનુસાર પણ ખૂબ જ ધાર્મિક દૃષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે માત્ર 22 વર્ષની વયે જૈન મહાસતીજી દ્વારા ખૂબ જ કઠોર કહી શકાય તે પ્રકારે 285 દિવસ મુક્તાવલી મહાતપ પૂર્ણ કર્યું હતું. જેના આજે જૈન સમાજની ધાર્મિક પરંપરા અનુસાર પારણાનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના મુનિઓ શ્રાવક અને શ્રાવીકાઓની સાથે સર્વે સમાજના લોકોએ હાજરી આપી હતી.
"જૈન ધર્મમાં મુક્તાવલી મહાતપ નું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ પ્રકારના તપને ખૂબ જ કઠોર તપ માનવામાં આવે છે. જેને માત્ર 22 વર્ષની વયે મહાસતીજી દ્વારા પૂર્ણ કરાયું છે. તેના પારણા અને ઉજવણી પ્રસંગે આજનો આ પ્રસંગ આયોજિત કરાયો છે. જેમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજે પણ હાજર રહીને જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓને તપસ્ચર્યા નુ મહત્વ સમજાવ્યું હતું."-- પ્રવીણ કોઠારી પ્રમુખ (સ્થાનકવાસી જૈન સંઘ)
મુક્તાવલી મહા તપનું ધાર્મિક મહત્વ: જૈન ધર્મમાં મુક્તાવલી મહાતપ ને ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે. તપ અને ઉપવાસ દરમિયાન 285 દિવસ સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલા માત્ર ગરમ પાણી ગ્રહણ કરીને મુક્તાવલી મહાતપ કરવામાં આવતા હોય છે. જેને જૈન સમાજમાં ખૂબ જ કઠોર તપ માનવામાં આવે છે. ત્યારે આજે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 285 જેટલા મુક્તાવલી મહાતપ કર્યા બાદ પારણાનો પ્રસંગ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે યોજાયો હતો. 22 વર્ષની વયે 18 મહિનાથી મહાસતીજી મુક્તાવલી મહાતપની કઠોર તપચર્યા કરી રહ્યા હતા.
અગ્રણીએ આપ્યો પ્રતિભાવ: જૈન સમાજના અગ્રણી કિરીટ સંઘવીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રસંગ સમગ્ર ભારત વર્ષના જૈન સમાજ માટે પ્રથમ વખત બની રહ્યો છે. એક સાથે 285 જેટલા મુક્તાવલી મહાતપ બાદ આજે પારણા યોજાઇ રહ્યા છે જે જૈન સમાજ માટે પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ સીમા ચિન્હ રૂપ પ્રસંગ આયોજિત થયો છે જેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે તેમજ નમ્રમુનિ મહારાજની સાથે જૈન ધર્મના સાધ્વી મહાસતીજી અને મુનિશ્રીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.