જૂનાગઢ: દર વર્ષે 2 ઓક્ટોબરથી લઈને આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીના આ એક અઠવાડિયા દરમિયાન તમામ પ્રવાસીઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે આઠ દિવસ દરમિયાન કુલ 35,551 જેટલા પ્રવાસીઓએ વિનામૂલ્યે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ મેળવીને વન્યજીવ સૃષ્ટિને ખૂબ જ નજીકથી નિહાળી હતી. પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વિનામૂલ્યે પ્રવેશ મેળવનાર મુલાકાતઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જે નોંધવા પાત્ર બાબત પણ બની રહી છે.

વન્ય જીવસૃષ્ટિથી લોકો થાય પરિચિત: ઉજવણીના એક સપ્તાહ દરમિયાન શાળા કોલેજ અને સામાન્ય લોકો માટે વિવિધ વન્યજીવ સૃષ્ટિને લઈને સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. સૌથી મહત્વની વાત ખૂબ જ નજીકથી વન્યજીવ પ્રાણીઓને જોયા બાદ કોઈ પણ વ્યક્તિના મનમાં તેના પ્રત્યે જે સાચી ખોટી સમજણો ઊભી થતી હોય છે. તેને દૂર કરવામાં પણ વન્યજીવ સપ્તાહની ઉજવણી મહત્વની બને છે. જંગલ પોષણ કડી ને ભાગરૂપે આજે પણ અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં લોકો વન્યજીવ સૃષ્ટિને ખૂબ જ નજીકથી જાણી અને માણી શકે તેમજ વન્ય જીવ સૃષ્ટિને લઈને પ્રત્યેક વ્યક્તિના મનમાં જે શંકા કુશંકાઓ છે. તેનું નિરાકરણ થાય તે માટે પણ ઉજવણી થતી હોય છે.

આ વર્ષના પ્રવાસીઓના આંકડા: વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ મેળવેલા પ્રવાસીઓની વિગત સકરબાગના રેન્જ ઓફિસર નીરવ મકવાણાએ આપી છે. તે અંતર્ગત પ્રથમ દિવસે બે ઓક્ટોબરે 13320 જેટલા પ્રવાસીઓએ સક્કરબાગમાં વિના મૂલ્ય પ્રવેશ મેળવ્યો હતો. તો અંતિમ દિવસ એટલે કે આઠમી ઓક્ટોબરના દિવસે 8406 જેટલા પ્રવાસીઓએ વિનામૂલ્યે સક્કરબાગમાં પ્રવેશ મેળવીને વન્યજીવ સૃષ્ટિને નિહાળવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આ સમગ્ર સપ્તાહ દરમિયાન કુલ 35,551 જેટલા પ્રવાસીઓએ વન્યજીવ સૃષ્ટિના દર્શન કરીને અનોખી રીતે પ્રાણી સપ્તાહની ઉજવણી કરી હતી.
