- ગૌશાળામાં 100થી વધુ ગાયોના મોત થયાની આશંકા
- ગૌ પ્રેમીઓમાં ભારે રોષ
- વિસાવદર નજીક નટવર પૂરા ગૌશાળાનો સમગ્ર મામલો
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર નજીક નટવર પુરા ગૌશાળામાં છેલ્લા કેટલાક મહિનાની અંદર 100 કરતાં વધુ ગાયોના મોત થવા હોવાની આશંકાને લઈ ગૌ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વિસાવદર નજીક નટવર પુરા ગૌશાળા ગોપીનાથજી અને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ દ્વારા અહીં ગૌશાળા બનાવવામાં આવી હતી. જેમાં 200 કરતાં વધુ ગાયોને રાખવામાં આવી હતી, જે પૈકીની 100 કરતાં વધુ ગાયોના મોત બીમારી અને ઘાસચારો નહીં મળવાને કારણે થયા હોવાનું બહાર આવી રહ્યું છે. જે નટવર પુરા ગૌશાળાનું સંચાલન કરી રહ્યો હતો તે પૈકીના ગોપીનાથજી ટ્રસ્ટ ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું છે અને ગૌશાળા પાછળ નાણાકીય ઉચાપતની મેલી મુરાદ પણ જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે ચિંતાની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગૌશાળામાં તપાસ કરતાં અનેક ગેરરીતિઓ બહાર આવી
સમગ્ર મામલાને લઈને વિસાવદર પંથકનાં ગૌસેવકે નટવર પુરા ગૌશાળામાં તપાસ કરતાં અહીં મોટી સંખ્યામાં ગેરરીતિઓ બહાર આવી હતી. ગૌશાળામાં જે ગાયો જીવતી છે તેઓ પણ દયનીય હાલતમાં છે. આ ગૌશાળાની આસપાસ મૃતક ગાયોના કંકાલ પણ ચિંતા ઉપજાવે તે પ્રકારે જોવા મળી રહ્યા હતા. ગોસેવકે જણાવ્યું કે, અમદાવાદ બાજુના અભરણ ગૌસ્વામી નામની વ્યક્તિ અહીં ગાયોને મૂકી ગયા છે અને ખૂબ મોટી નાણાકીય ગેરરીતિ આચરીને અભરણ ગૌસ્વામી ફરાર થઈ ગયો હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં બહાર આવી રહ્યું છે.