ભાજપ શાસિત જૂનાગઢ મનપાની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમા સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાની અધ્યક્ષતામાં આજની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિશ્નર તુષાર સુમેરા સહિત મનપાના અધિકારીઓ તેમજ સ્થાયી સમિતિના સદસ્યોએ હાજરી આપી હતી. આજની બેઠકમાં સમિતિ દ્વારા સર્વાનુમતે વિવિધ ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા. બેઠકમાં પ્રથમ કાશ્મીરમાંથી આર્ટીકલ 370ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સર્વાનુમતે પસાર કરી અને સરકારના નિર્ણયને વધાવ્યો હતો તો બીજી તરફ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધનને લઈને પણ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને જૂનાગઢ શહેરના ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને લઇને વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે જેને આર્થિક એક લાખ રૂપિયાની સહાય આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું તેમજ જૂનાગઢ શહેરના તમામ 15 વોર્ડના માર્ગ ચોમાસાને કારણે ક્ષતીગ્રસ્ત બન્યા છે તેમને તાકીદે સમારકામ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.