જૂનાગઢ : કારતક વદ આઠમના રોજ શિવના અંશ સમાન કાલભૈરવના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. કાલભૈરવને તંત્ર-મંત્ર અને વિદ્યાના દાતા તરીકે પૂજવામાં આવે છે. પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ તેમજ શિવ પુરાણમાં ઉલ્લેખ થયા પ્રમાણે કાલભૈરવને ભગવાન શિવનું એક સ્વરૂપ માનવામાં આવે છે. જેના કારણે તેમની જગતના પાલનહાર તરીકે પણ પૂજા થાય છે.
કાલભૈરવની પૌરાણિક કથા : ધાર્મિક માન્યતા અનુસાર પૃથ્વીના પાપોને નષ્ટ કરવા માટે ભગવાન શિવજી ગુસ્સે થયા તે સમયે કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. એક ધાર્મિક માન્યતા મુજબ કાળ ભૈરવે બ્રહ્માજીના મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું હતું. જેમણે પૃથ્વી પરના પાપોના નાશ કરવા માટે અસમર્થ થતા દર્શાવી હતી. બ્રહ્માજીના મસ્તકનું છેદન કરવાથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ પણ લાગ્યું હતું, તેવી ધાર્મિક માન્યતા આજે પણ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે.
કાલભૈરવ જયંતી : કારતક વદ આઠમના દિવસે ભગવાન શિવના અંશ સમાન કાલ ભૈરવની જયંતી મનાવવામાં આવે છે. આજના દિવસે કાલભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. કાલભૈરવ જયંતીના દિવસે સાધકો ભૈરવ દાદાની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. સનાતન ધર્મના ગ્રંથોમાં 64 કાળભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. તે પ્રમાણે પ્રત્યેક સાધક તેમની શક્તિ અને ભક્તિ મુજબ કાલભૈરવ દાદાની પૂજા કરીને તેમના અને તેમના પરિવાર પર ભૈરવ દાદા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તે માટે કાલભૈરવ જયંતિએ પૂજા કરતા હોય છે.
કાલભૈરવના 64 સ્વરૂપની પૂજા : સનાતન ધર્મના ગ્રંથોમાં 64 કાલભૈરવની પૂજાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. 51 શક્તિપીઠોમાં જગદંબાના સૈનિક તરીકે કાલભૈરવ આજે પણ દ્રષ્ટિ માન થાય છે અને મહાદેવના મંદિરમાં મહાદેવ પહેલા કાલભૈરવ દાદાના દર્શન અને પૂજા આજે પણ થતી જોવા મળે છે. બાર જ્યોતિર્લિંગમાં પણ કાળભૈરવ દાદાના દર્શન અચૂક પણે થઈ રહ્યા છે. 64 માં ભૈરવ તરીકે બટુક ભૈરવની પૂજાને સનાતન ધર્મના ગ્રંથોમાં વિશેષ મહત્વની માનવામાં આવી છે. કાલભૈરવ દાદાને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ તરીકે પણ પૂજા કરવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે. જે અનુસાર કાલભૈરવ દાદાના ભક્તો સાથે દુષ્ટ કરે છે તેને ત્રણેય લોકમાં ક્યાંય પણ સ્થાન મળતું નથી.
શિવપુરાણમાં કાલભૈરવનું મહત્વ : શિવપુરાણમાં કાલભૈરવ દાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શિવના ભાગમાંથી દાદા પ્રાગટ્ય થયા હોવાનો ઉલ્લેખ શિવ પુરાણમાં જોવા મળે છે. વર્તમાન સમયમાં કાળભૈરવ દાદાની પૂજા બટુક ભૈરવ અને કાલભૈરવના રૂપમાં ઉપાસના તેમના સાધકો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ તંત્ર સાધનામાં ભૈરવના આઠ સ્વરૂપ વર્ણવવામાં આવ્યા છે. આ સ્વરૂપ પૈકી ભીષણ ભૈરવ, ચંદ્ર ભૈરવ, કુદ્ર ભૈરવ, રુદ્ર ભૈરવ, અસિતંગા ભૈરવ, સંહાર ભૈરવ, કપાળી ભૈરવ, મનમત ભૈરવ તરીકે પૂજવામાં આવે છે.
કાલભૈરવ પૂજાનું મહત્વ : કોઈપણ અષ્ટમીના દિવસે ભૈરવની પૂજા કરવાથી જીવનમાં આવેલા અવરોધો દૂર થાય છે અને સાધકો દ્વારા કરવામાં આવેલી સર્વે મનોકામના પૂર્ણ થતી હોય છે. તેવો ઉલ્લેખ પણ શિવપુરાણ સહિત સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. આ ઉપરાંત આજના દિવસે પૂજા અને દર્શન કરવાથી પ્રત્યેક સાધકને ઈચ્છિત ફળની પ્રાપ્તિ પણ આજના દિવસે કાલભૈરવની પૂજા કરવાથી થતી હોય છે.
કાળભૈરવનું વાહન કાળો શ્વાન : કાળભૈરવ દાદાનું વાહન કાળા રંગનો શ્વાન છે. જેથી આજના દિવસે શ્વાન અને ખાસ કરીને કાળા રંગના શ્વાનને દૂધ પીવડાવવાથી દાદાને પ્રસન્ન કરી શકાય છે. વધુમાં કાલભૈરવ દાદાને ખીચડી, ભાત, ગોળ, તલ જેવા નૈવેધ પણ અર્પણ કરવામાં આવે છે. કાળભૈરવ જયંતીના દિવસે વ્રત કરવાથી રોગ દુઃખ અને શત્રુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે કાલાષ્ટમીની પૂજા મદદરૂપ બને છે. ભૈરવ જયંતીના દિવસે દાદાની ઉપાસના કરવાથી પ્રત્યેક મનુષ્યના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને શત્રુ દૂર થાય છે.