જૂનાગઢ : માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં જોવા મળેલા અનિશ્ચિત અને અસાધારણ બદલાવને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ માવઠું રૂપે વરસી રહ્યો છે. તેને કારણે ઉનાળુ કૃષિ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે ગીર વિસ્તારમાં થતી પ્રખ્યાત કેસર કેરીના ઉત્પાદન પર પણ નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારે ઉનાળે ચોમાસા જેવા માહોલની વચ્ચે માવઠું ખેડૂતોને બાનમાં લઈ રહ્યું છે. તેમ છતાં રાજ્યના કૃષિ વિભાગે હજુ સુધી ખેડૂતોને કૃષિ પાકોના નુકસાનના વળતર રૂપે ફૂટી કોડી પર વિતરણ કરી નથી. તેને લઈને ખેડૂતોમાં ભારે વસવસો જોવા મળે છે.
ઉનાળુ પાકોને નુકસાન : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણની સાથે કૃષિ પાકોની વાવેતરમાં એક સમાનતા જોવા મળે છે. બંને જિલ્લામાં ઉનાળા દરમિયાન મગ, અદડ, તલ, બાજરી તેમજ ઉનાળુ મગફળીની સાથે એકમાત્ર ગીર પંથકમાં થતી કેસર કેરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે, ત્યારે માવઠા રૂપે વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોની સાથે કેરીના ઉત્પાદન પર વિપરીત અસરો પડી રહી છે. જેને લઈને ખેડૂતો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. વરસાદ થવાને કારણે કૃષિ પાકોના પૂરતા અને પોષણક્ષમ બજાર ભાવ ખેડૂતોને મળતા નથી.
આ પણ વાંચો : Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ
સરકારે જાહેર નથી કરી સહાય : કમોસમી વરસાદ બાદ રાજ્યના કૃષિ વિભાગે અસરગ્રસ્ત ગામોના સર્વે કરવાની વાત કરી હતી. સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાને રાખીને વળતર આપવાની વાત રાજ્યના કૃષિ વિભાગે અનેક વખત પુનરોચ્ચાર સાથે કરી છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને એક પણ ફૂટી કોડીની સહાય કરવામાં આવી નથી. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધી કૃષિ સહાયની વાત દૂર રહી, પરંતુ સર્વે સુધ્ધા કરવા માટે રાજ્યની સરકાર આળસ ખંખેરી નથી. તેને લઈને ખેડૂતોમાં વિશેષ રોષ જોવા મળે છે.
આ પણ વાંચો : Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત
વિસાવદરમાં થયો સર્વે : જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જયેશ ગોંડલીયા આજે સરકારી કામમાં બહાર હતા. તેમણે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં વિસાવદર તાલુકામાં જે કમોસમી વરસાદ પડ્યો છે. તેના 26 ગામોમાં 16 જેટલી ટીમો બનાવીને 3,734 હેક્ટર વિસ્તારમાં 2,491 ખેડૂતોના ખેતરોમાં નુકસાનીનું સર્વે કરાયો છે. જે પૈકી 33 ટકાના ધોરણે 131 ખેડૂતો અને 120 હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાની થયાનું સામે આવ્યું છે. આ રિપોર્ટ રાજ્યના કૃષિ વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. સરકારમાંથી જ્યારે સહાય મળશે, ત્યારે ખેડૂતોને તેની ચુકવણી કરી દેવામાં આવશે.