જૂનાગઢઃ આજે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. જેને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આજે યુવાનોને લગતા કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર્સ યોજાય છે. જેમાં જૂનાગઢમાં આ દિવસ નિમિત્તે યોજાયેલ સ્વામી વિવેકાનંદ રમતોત્સવ પણ સામેલ છે. શહેરની કોલેજમાં રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલ આ રમતોત્સવ એટલા માટે ખાસ બની રહ્યો કારણ કે, તેમાં આપણી પરંપરાગત અને વિસરાતી જતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં ખેલાડીઓએ ઉમળકા સાથે ભાગ લીધો હતો.
![આ રમતોત્સવમાં ખેલાડીઓએ ઉમળકા સાથે ભાગ લીધો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2024/20491939_b_aspera.jpg)
વિસરાયેલ રમતોઃ જૂનાગઢની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં પરંપરાગત અને વિસરાતી જતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આપણી દરેક પરંપરાગત રમતો ખેલાડીના શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહુ કારગત હતી. આ વિસરાતી જતી રમતો ફરીથી પ્રચલિત થાય અને ખેલાડીઓ આ રમતો થકી તંદુરસ્ત બને તેવા ઉમદા ઉદેશ્ય સાથે સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લંગડી અને સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રમતોની સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતો રમીને ખેલાડીઓ ખૂબ ખુશ થયા હતા.
આ રમતોત્સવમાં રમાતી દરેક રમતો ખેલાડીની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આજે પણ ખૂબ જ મહત્વની છે. આ રમતોથી શરીરને ફિટ અને રોગમુક્ત રાખી શકાય છે. આધુનિક સમયમાં, ટેકનોલોજીના યુગમાં મોબાઈલ રમતો વધી રહી છે. જેને કારણે આપણી દેશી રમતો આજે લુપ્ત બની છે. આજના કાર્યક્રમથી વિસરાતી જતી રમતોને ફરીથી મુખ્યધારામાં લાવવામા સફળતા મળશે...ભાવિક વસાણી (સ્પર્ધક, જૂનાગઢ)