- 1983 બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ વર્ષે પડ્યો 70 ઇંચ જેટલો ભારે વરસાદ
- હજુ પણ વધુ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે કરી આગાહી
જૂનાગઢ : જિલ્લામાં 37 વર્ષ બાદ ફરી એક વખત અતિભારે વરસાદનું આગમન થયું હતું. વર્ષ 1983માં 111 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે શાપુર અને વંથલીમાં હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, અને ખૂબ જ મોટી સંખ્યામાં જાન માલનું નુકસાન થયું હતું. 1983 ને બાદ કરતા આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 37 વર્ષનો સૌથી સર્વોચ્ચ કહી શકાય તેવો 70 ઇંચ જેટલો વરસાદ પડયો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે.
જૂનાગઢમાં પાછલા 37 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વર્ષે નોંધાયો જૂનાગઢ જિલ્લાના સરેરાશ વરસાદની વાત કરીએ તો પાછલા એક દશક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન અંદાજિત 40 થી લઈને 45 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધવામાં આવ્યો છે. ત્યારે આ વર્ષે સરેરાશ વરસાદ કરતાં બમણો એટલે કે, 70 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓ અને ગામડાઓમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વર્ષ 1983 111 ઈચ સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તો વર્ષ 1987માં માત્ર 5.5 ઈંચ વરસાદ નોંધાતા જૂનાગઢ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ પણ પ્રવર્તી હતી. ત્યારે આ વર્ષે જિલ્લામાં 70 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે. તેમજ હજુ પણ આવનારા સમયમાં પણ વધુ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરી છે.