જૂનાગઢ: જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ બીપરજોય વવાઝોડાની સાથેસાથે વરસાદ વરસ્યો હતો. મેઘરાજાનુ આગમનથી મેંદરડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવે વાવણીની શરૂઆત થઇ ચુકી છે. ગ્રામ્ય વિસ્તારોમાં દર વખતે મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળતું હતું. આ વખતથી સમગ્ર મેંદરડા પંથકમાં મગફળીમાં વધુ ખર્ચાળ હોવાથી સોયાબીનનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે.
વાવણીના શ્રીગણેશ: મેંદરડા પંથકમાં તમામ ખેડૂતો આજરોજથી જ ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. આજરોજથી ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુનાગઢ જિલ્લાના ઘણા એવા વિસ્તારો હતા કે જેમાં ભીમ અગિયારસના દિવસે વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ વખત જૂનાગઢના કેશોદ, માળીયા, મેંદરડા સહિતના ઘણા બધા મોટા ભાગના વિસ્તારોમાં ભીમ અગિયારસ બાદ સમગ્ર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે તો ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાવણી કરતા નજરે પડી રહ્યા છે.
'મેંદરડા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધરતીપુત્ર હોંશે હોંશે મગફળી સોયાબીનનુ વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે સોયાબીનનું વાવેતર વધારે જોવા મળી રહ્યું છે કારણ કે મગફળીમાં મુંડા, ભૂંડોથી વધારે નુકસાન થાય છે અને વધુ ખર્ચાળ હોવાથી મોટાભાગના ખેડૂતોએ સોયાબીનનું વધુ પ્રમાણમાં આ વખત વાવેતર કર્યું છે.' -પરસોતમભાઈ ઢેબરીયા, ખેડૂત
મગફળીમાં મુંડાનો ત્રાસ: દર વર્ષે મેંદરડા તાલુકાના ગામડાઓમાં મગફળીમાં મુંડા આવી જતા ખેડૂતો હેરાન થઈ ગયા છે અને દવાઓનો છંટકાવ કરવા છતાં પણ મુંડા નામની જીવાત આવી જતા મોટાભાગના ખેડૂતો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આને કારણે ખેડૂતો દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠે છે. જોકે આ વખતે ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં વાવણી શરૂ થતા ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહીછે.