જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. શહેરમાં લગાવવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ સાથે જોડાયેલા 285 કેમેરાઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 74,684 જેટલા ઈ-ચલણ દંડના ભાગરૂપે મોકલ્યા હતા. જે પૈકીના 20770 જેટલા વાહન ચાલકોએ હજુ સુધી ઈ-ચલણ દ્વારા આપવામાં આવેલા દંડની રકમ નહીં ભરતા જુનાગઢ પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ ખૂબ જ આકરી બનવા જઈ રહી છે. આ તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાયદાકી પગલા લેવાની સાથે તેમના વાહન જપ્ત કરવાની પણ કાર્યવાહી જુનાગઢ પોલીસ કરવા જઈ રહી છે.
83 લાખ કરતા વધુના દંડની રકમ વસૂલવાની બાકી: જૂનાગઢ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 74,684 જેટલા વાહન ચાલકોને નિયમ ભંગ બદલ ઈ-ચલણ મોકલેલું છે. જેના દંડની કુલ રકમ 02 કરોડ 93 લાખ 99 હજાર 900 થવા જાય છે જે પૈકી અત્યાર સુધીમાં 53,914 જેટલા વાહન ચાલકોએ ઈ ચલણ ભરેલું છે. જેની રકમ 02 કરોડ 10 લાખ 34 હજાર 300 રૂપિયાની થવા જાય છે. બાકી રહેતા વાહન ચાલકો પાસેથી 83 લાખ 65 હજાર 600 રુપિયાના દંડની વસુલાત માટે જૂનાગઢ પોલીસ કાયદાકીય રીતે આગળ વધી રહી છે.
અત્યાર સુધી મળી અનેક સફળતા: જુનાગઢ શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ સાથે જોડાયેલા 285 જેટલા કેમેરાઓનું સંચાલન એક યુનિટમાં નેત્રમ શાખા દ્વારા કરવામાં આવે છે જે વાહન ચાલકો ની સાથે અનેક નાના-મોટા ગુનાઓમાં આરોપી સુધી પહોંચવામાં પણ સફળતા મળી છે. અત્યાર સુધીમાં કુલ 750 જેટલા ગુન્હા ઓના ઉકેલ માટે પણ શહેરમાં લગાવવામાં આવેલા 285 કેમેરાઓ આજે પણ મદદરૂપ બની રહ્યા છે. પાછલા ત્રણ વર્ષ દરમિયાન કેમેરા મારફતેથી લોકોની ગુમ થયેલી ચોરાયેલી કીમતી ચીજ વસ્તુઓ જેની કિંમત 34 લાખની આસપાસ થવા જાય છે તેને પરત અપાવવામાં પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે.
સાત વખત જુનાગઢ પોલીસને મળ્યો એવોર્ડ: કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની તમામ વિગતો માધ્યમો સાથે શેર કરતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી અને પીએસઆઇ મશરુ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી છે. જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત દર ત્રણ માસે ડીજીપી કચેરી દ્વારા એવોર્ડ આપવામાં આવે છે તે અંતર્ગત એપ્રિલ 2021 થી લઈને ડિસેમ્બર 2022 સુધીમાં કુલ સાત વખત આ એવોર્ડ જુનાગઢ પોલીસને એનાયત થયો છે. નેત્રમ શાખાને ગુના ઉકેલવાની કેટેગરીમાં તમામ વખતે પ્રથમ નંબરનો એવોર્ડ રાજ્યના પોલીસવડા એ આપ્યો છે ઈ ચલણની કામગીરીમાં પણ બે વખત જૂનાગઢ પોલીસને સન્માનિત કરવામાં આવી છે.