જૂનાગઢઃ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના C- ડિવિઝન પોલીસ મથકને મળેલી પૂર્વ બાતમીને આધારે ગાંધી ગ્રામ વિસ્તારમાં રેડ કરતા અહીંથી દારૂની 20 બોટલ સાથે અંદાજીત અઢી લાખ રૂપિયાના પાન મસાલા બનાવવાના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી હતી.
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં નશાખોર વ્યક્તિઓ અને નશીલા પદાર્થોનું વહેચાણ કરતા બુટલેગરો ફૂલ્યા ફાલ્યા જોવા મળે છે, ત્યારે જૂનાગઢ C- ડિવિઝન પોલીસને શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કેટલાક કુખ્યાત બુટલેગરો કેફી પ્રવાહીનું વેચાણ કરતા હોય તેવું માલુમ પડતાં પોલીસે અહીં રેડ કરી હતી. તે દરમિયાન પોલીસને 20 બોટલ દારૂની સાથે પ્રતિબંધિત તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની રેડ દરમિયાન અંદાજિત 450 કિલો સોપારી 5 કિલો જેટલું તંબાકુ 70 કિલો જેટલો ચુનો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અઢી લાખ કરતા વધુની થવા જાય છે. જેને પોલીસે સીઝ કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન કુખ્યાત બુટલેગર દુદા મેર અને તમાકુ તેમજ સોપારી સહિતની વસ્તુઓની ડીલેવરી લેવા માટે આવેલા ત્રણ ઈસમોને પકડી પાડીને C-ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.