જૂનાગઢ :આવતી કાલથી શરદ ઋતુ શરૂ થઈ રહી છે. ત્યારે આ ઋતુ દરમિયાન જઠરાગ્ની મંદ પડતી હોય છે ત્યારે પ્રત્યેક વ્યક્તિએ તંદુરસ્તી બક્ષતા શિયાળાને આરોગ્યની દ્રષ્ટિએ માણવું હોય તો શરદ ઋતુમાં તબિયતની સાથે ખાનપાન અને દિનચર્યામાં ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. શરદ ઋતુમાં ત્રિદોષનો ખૂબ જ ઉત્પાત જોવા મળે છે. જેને કારણે આ ઋતુમાં વિશેષ તકેદારી રાખીને તંદુરસ્તી સમાન શિયાળાને માનવા માટે સૌ કોઈએ તૈયારી કરવી જોઈએ.
શરદ ઋતુમાં તબિયતની વિશેષ કાળજી : પ્રત્યેક વ્યક્તિએ તંદુરસ્તી આપતા શિયાળાને જો મન ભરીને માણવો હોય તો શરદઋતુ દરમિયાન મંદ પડતી જઠરાગ્નીને કારણે ખોરાક, દિનચર્યા અને કેટલીક કાળજી રાખીને શરદઋતુ દરમિયાન પણ શરીરને તંદુરસ્ત રાખી શકાય છે, શરદઋતુ દરમિયાન કફ પિત્ત અને વાયુનો ખૂબ જ ઉત્પાત જોવા મળે છે, જેને કારણે મોટાભાગના લોકો આ ઋતુ દરમિયાન કોઈને કોઈ નાની મોટી બીમારીમાં ફસાતા જોવા મળે છે. પરંતુ ખૂબ જ કાળજીપૂર્વક શરદ ઋતુમાં દિનચર્યા રાખવામાં આવે તો આવી ઋતુમાં પણ કોઈ પણ વ્યક્તિ તંદુરસ્તીની સાથે જીવન જીવી શકે છે.
આયુર્વેદિક તબીબે આપ્યો અભિપ્રાય : આયુર્વેદિક તબીબ ડો જયેન્દ્ર પ્રમારે ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે શરદઋતુ મોટેભાગે લોકોને બીમાર કરતી હોય છે આ સમય દરમિયાન જઠરાગ્ની મંદ પડવાને કારણે ચયાપચયની ક્રિયાઓ ખૂબ ધીમી પડે છે જેને કારણે કફ વાત અને પિત એ ત્રણ દોષોનું શરીરમાં ઉત્પાદન જોવા મળે છે જેને કારણે લોકો નાની મોટી બીમારીમાં સપડાતા હોય છે.
શરદઋતુ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દૈનિક ખોરાક અને દિનચર્યામાં ફેરફાર કરીને દેશી ઓસડીયાની સાથે સુપાચ્ય અને હળવો ખોરાક ગ્રહણ કરે તો શરદ ઋતુમાં આવતી બીમારી ઓથી બચી શકાય છે. આ સમય દરમિયાન હળદર આદુ લવિંગ તજ ગળો અને ખાસ કરીને બાજરાની રાબ કે જેમાં ગોળ દેશી ઘી અને સૂંઠ નાખીને બનાવવામાં આવે છે તેને નિત્ય ક્રમે લેવામાં આવે તો મંદ જઠરાગ્નીની સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે આ સમય દરમિયાન ઉત્પન્ન થતા કફ પિત્ત અને વાતને પણ શમન કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે...ડો. જયેન્દ્ર પરમાર (વૈધરાજ)
સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીની શરદ ઋતુ : શરદ ઋતુને હિન્દુ કેલેન્ડરમાં પાનખર ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવી ઋતુ સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર મહિના સુધી જોવા મળે છે. જ્યારે ચોમાસાની સિઝન પૂરી થયા બાદ હવામાન ઠંડુ થવાની શરૂઆત થાય છે. આકાશ સ્પષ્ટ અને ચોખ્ખું જોવા મળે છે, પરંતુ શરદ ઋતુ દરમિયાન ઠંડી ગરમી અને વરસાદની પણ હાજરી જોવા મળે છે. આવા સમયે પ્રત્યેક જીવની જઠરાગ્ની મંદ પડતી હોય છે. જેને કારણે લોકો કફ પિત્ત અને વાયુ જેવી બીમારીમાં સપડાતા હોય છે. શરદઋતુના ત્રણ મહિના દરમિયાન પ્રત્યેક વ્યક્તિ આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવેલા ખોરાક અને દેશી ઓસડીયાનો ઉપયોગ કરી તંદુરસ્ત રહી શકે છે.