જૂનાગઢ : પાછલા એક સપ્તાહ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ બજાર ભાવોમાં સતત એકસૂત્રતા જળવાતી જોવા મળી રહી છે. જેને કારણે જથ્થાબંધ બજાર ભાવો પ્રતિ એક કિલો ડુંગળીના 50થી લઈને 60 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ છૂટક બજારમાં સારી અને ગુણવત્તાયુક્ત ડુંગળી 50 થી લઈને 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહી છે. જૂનાગઢ એપીએમસીમાં છૂટક અને જથ્થાબંધ બજાર ભાવોને વર્તમાન સમયના અને પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ સૌથી સર્વોચ્ચ માનવામાં આવી રહ્યા છે.
સતત વધઘટ સાથે ડુંગળીના બજાર ભાવો સર્વોચ્ચ : હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ જ મર્યાદિત આવક થઈ રહે છે. જેને કારણે પુરવઠાની સામે માંગ જરૂરિયાત કરતાં વધારે હોવાને કારણે પણ ડુંગળીના બજાર ભાવો સર્વોચ્ચ કહી શકાય તે સપાટીએ સ્થિર થતા જોવા મળી રહ્યા છે. જેમાં પ્રતિ 20 કિલો માં 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના વધારા ઘટાડા નોંધાઈ રહ્યા છે. તેમ છતાં છૂટક બજારમાં આજે સારી ડુંગળી 50 થી લઈને 70 રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહી છે.
આવકની સામે માગમાં આ વધારો : સામાન્ય રીતે નવરાત્રી બાદ ડુંગળીના જથ્થાબંધ અને છૂટક બજાર ભાવોમાં પાછલા કેટલાક વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે તેની પાછળનું એક કારણ ડુંગળીનો નવો પાક ખેતરમાં હોવાને પણ માનવામાં આવે છે. વધુમાં આ સમય દરમિયાન નાસિક અને મહુવા તરફની ડુંગળીની આવક પણ ખૂબ જ મર્યાદિત અને કેટલાક સમય દરમિયાન તો નહીંવત જોવા મળે છે. જેને કારણે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત ડુંગળી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે. જેથી માગની સરખામણીએ પુરવઠો ખૂબ મર્યાદિત બનતા જથ્થાબંધની સાથે છૂટક બજાર ભાવોમાં પણ વધારો થતો હોય છે.
જૂનાગઢ એપીએમસીએ આપી વિગતો : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગ દ્વારા પણ વિગતો આપવામાં આવી છે તે મુજબ ગત 27 ઓક્ટોબરના દિવસે નીચામાં પ્રતિ 20 કિલો 80 અને ઊંચામાં 650 રૂપિયાના ભાવે ડુંગળીનું વેચાણ થયું હતું. તો 26 તારીખના દિવસે ઊંચામાં 1000 અને નીચામાં 300 પ્રતિ 20 કિલોના ભાવે જથ્થાબંધ બજારમાં ડુંગળીનું વેચાણ થયું હતું. આ બે દિવસો દરમિયાન નીચામાં અને ઊંચામાં સૌથી ઓછા અને અત્યાર સુધીના સૌથી વધુ બજાર ભાવો જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનાના પહેલા દિવસે 28 ક્વિન્ટલ ડુંગળીની આવકની સામે ઊંચામાં 850 અને નીચામાં 500 રુપિયા પ્રતિ 20 કિલોના બજાર ભાવે ડુંગળીનું વેચાણ થયું છે.