કેશોદ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત દંપતિ આજે દેશી જાતના બિયારણને લઈને પાછલા 15 વર્ષથી સતત મહેનત કરી રહ્યા છે. 15 વર્ષ પૂર્વે દેશી જાતના શાકભાજીને બચાવવા ને લઈને જે મહા અભિયાન શરૂ થયું હતું. તે આજે જૂનાગઢ જિલ્લા બહાર પણ જોવા મળી રહ્યું છે. પાછલા 15 વર્ષથી ભરતભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દેશી જાતના શાકભાજીના બિયારણને ખેતરમાં વાવવાની સાથે તેને ફરી વાવી શકાય તે માટે બિયારણ રુપે તૈયાર કરીને લોકોની અનુકૂળતા અને તેમની માંગને કરવાથી તેઓ મોકલી રહ્યા છે. વર્તમાન સમયમાં હાઇબ્રીડ બિયારણને કારણે શાકભાજીનો સ્વાદ જતો રહ્યો છે. ત્યારે દેશી જાતના શાકભાજી પોતાનું અસ્તિત્વ કાયમી ધોરણે ન ગુમાવે તે માટેનો આ પ્રયાસ ટીટોડી ગામનું પટેલ દંપતિ કરી રહ્યું છે.
સ્વાદ અને ગુણવત્તા શાકભાજીમાં જોવા મળતા નથી તેની પાછળનું એકમાત્ર કારણ સંશોધિત અને હાઇબ્રીડ શાકભાજી માનવામાં આવે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ શાકભાજીને ભોજન તરીકે અપનાવે ત્યારે તેનો અસલ સ્વાદ તેમને મળી શકે તે માટે તેમણે દેશી શાકભાજીના વાવેતરની સાથે તેનું બિયારણ પાંચથી દસ રૂપિયાના બિલકુલ મામૂલી ખર્ચે કોઈ પણ વ્યક્તિને મળી જાય તે માટેની તેઓ મહેનત કરી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાની ઘરે પણ ખૂબ જ નાની કે મર્યાદિત જગ્યામાં પણ શાકભાજીના આઠ દસ છોડ વાવીને પણ દેશી શાકભાજી તેમના ઘરે બેઠા મેળવે તે માટે પણ પ્રયાસ છે અને તેમાં સફળતા પણ મળી રહે છે.. ભરત પટેલ ( પ્રગતિશીલ ખેડૂત )
અલગ અલગ જાતના દેશી શાકભાજીના બિયારણ : ભરતભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દેશી શાકભાજીના બિયારણ સાચવવાને લઈને પણ એક અનોખો શોખ ધરાવે છે. પતિ પત્ની બને ખેડૂત હોવાની સાથે દેશી જાતનું શાકભાજીનું બિયારણ ફરી એક વખત લોકોના રસોડા સુધી શાકભાજી મારફતે પહોંચે તેવો પ્રયાસ કરી રહ્યા છે. વર્તમાન આધુનિક સમયમાં વધુ ઉત્પાદન લેવાને કારણે ખેડૂતો દેશી જાતના શાકભાજીના બિયારણોનું વાવેતર કરતા નથી. જેને કારણે સ્વાદ સોડમ અને ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ મનાતા તમામ પ્રકારના દેશી શાકભાજી આજે ફરી એક વખત પ્રત્યેક ગૃહિણીના રસોડામાં જોવા મળે તે માટે કામ કરી રહ્યા છે. જેના માટે તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ભરતભાઈ પટેલને દેશી શાકભાજીનું બિયારણ સાચવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ વર્ષ 2022માં આપવામાં આવ્યો છે.
તમામ પ્રકારની દેશી પદ્ધતિથી વાવેતર : ભરતભાઈ પટેલ દેશી પદ્ધતિથી તમામ પ્રકારની શાકભાજી જેવા કે ગવાર ભીંડા તુરીયા ગલકા દુધી ટમેટા સુરણ ચીભડા કાકણી સક્કરટેટી રીંગણ મરચા ટમેટા વાલોર ચોરી વાલ સહિત મોટા ભાગની દેશી શાકભાજીનું વાવેતર કરે છે. ત્યારબાદ તેના બિયારણને પણ સંગ્રહિત કરીને આવનારી પેઢી માટે દેશી શાકભાજીનું બિયારણ સાચવવાનું ભગીરથ કામ પણ કરી રહ્યા છે. વધુમાં ભરતભાઈ શાકભાજીના વાવેતરની વચ્ચે કુદરતી રીતે ખૂબ સારું પરાગનયન થાય તે માટે અલગ અલગ જાતના ફૂલના છોડ પણ વાવે છે. જેથી કુદરતી રીતે પરાગનયન દ્વારા ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા યુક્ત શાકભાજી અને તેનું બિયારણ તેમને મળી રહ્યું છે.