- રાજ્ય સરકારની ઢીલી નીતિને કારણે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન ચડ્યું ટલ્લે
- બે વખત મુખ્યપ્રધાન અને એક વખત વડાપ્રધાન મોદીએ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનનું કર્યું છે ખાતમુહૂર્ત
- હાલના મનપાના શાસકો બ્યુટીફીકેશનનું કામ આગામી દિવસોમાં શરૂ થશે તેવો વ્યક્ત કરી રહ્યા છે આશાવાદ
જૂનાગઢઃ જૂનાગઢ શહેર(Junagadh city)ની મધ્યમાં આવેલ અને જુનાગઢ ઇતિહાસ(History of Junagadh) સાથે સંકળાયેલું નરસિંહ મહેતા સરોવર પાછલા દસ વર્ષથી બ્યુટીફીકેશનના નામે રાહ જોઈ રહ્યું છે. શહેરની સુંદરતામાં વધારો કરતું તેમજ શહેરીજનોને શહેરની અંદર જ પર્યટનની વિશાળ તક આપતુ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનને લઈને હવે ભારે વિલંબ જોવા મળી રહ્યો છે. પાછલા દસ વર્ષથી બ્યુટીફીકેશનના નામ પર બે વખત રાજ્યના મુખ્યપ્રધાન અને વર્ષ 2019મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન (Beautification of Narasimha Mehta Sarovar) કામનું ખાત મુહૂર્ત કર્યું હતું. તેમ છતાં હજુ સુધી બ્યુટીફીકેશનનું કામ દસ વર્ષથી શરૂ થવાને લઈને રાહ જોઈ રહ્યું છે.
અંદાજિત 90 કરોડથી વધુના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરવાની હતી યોજના
વડાપ્રધાન અને જે તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહી ચૂકેલા નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી એક ગિરનાર રોપવેGirnar ropeway કાર્યાન્વિત થઈ ચૂક્યો છે. પરંતુ બીજો પ્રોજેક્ટ પાછલા દસ વર્ષ કરતા વધુ સમયથી પડતર જોવા મળી રહ્યો છે. બ્યુટીફીકેશનનું કામ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ ખાતમુહુર્ત કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં જૂનાગઢ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ત્રીજી વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન ખાતમુહુર્ત કર્યું હતું. બે વાર મુખ્યપ્રધાન અને એક વાર વડાપ્રધાન બન્યા છતાં પાછલા દસ વર્ષ કરતાં વધુ સમયથી નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન રાહ જોઈને રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યું છે.
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનને લઈને શાસક અને વિપક્ષનો આક્ષેપ અને પ્રતિઆક્ષેપ
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનને લઈને ETV ભારતે જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયા સાથે વાત કરી હતી. તેમણે સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં કાર્યાન્વિત થવા જઈ રહ્યો છે. થોડાક દિવસોમાં રાજ્યના મુખ્યપ્રધાન સાથે આ મામલાને લઈને બેઠક પણ થવા જઈ રહી છે અને આગામી દિવસોમાં બ્યુટીફીકેશનનું કામ શરૂ થાય તેવા ઉજળા સંજોગોનું નિર્માણ પણ થતું જુનાગઢની જનતા જોઈ શકશે.
જૂનાગઢ મનપાના વિપક્ષે કર્યો સરકાર અને મનપા તંત્ર પણ ઢીલી નીતિની આક્ષેપ
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનને લઈને જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાએ ETV ભારતને જણાવ્યું હતું કે, સમગ્ર પ્રોજેક્ટ પાછલા દસ વર્ષથી જૂનાગઢ અને ગાંધીનગરની વચ્ચે અટવાઇ રહ્યો છે. કેટલાક વર્ષોથી પ્રોજેક્ટને લઇને કેટલાક નાણાં પણ ફાળવી દેવામાં આવ્યા છે. પરંતુ રાજકીય ઇચ્છાશક્તિ અને અંદરો અંદરની ખેંચતાણને લઈને નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનનું કામ હાથ પર લેવામાં આવતું નથી. તેઓ માંગ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં બ્યુટીફીકેશનને લઈને જૂનાગઢ મનપા અને રાજ્ય સરકાર તાકીદે નિર્ણય કરીને કામ શરૂ નહીં કરાવે તો વિપક્ષ સમગ્ર મામલાને લઈને જૂનાગઢની જનતા વચ્ચે જવું પડશે તેવી વાત ETV ભારત સમક્ષ કરી હતી.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ ST વિભાગનું આગોતરુ આયોજન, અનેક રૂટનું એડવાન્સ બુકિંગ ફુલ
આ પણ વાંચોઃ સાસણમાં સિંહ દર્શન માટે આવતા ફોટોગ્રાફરો માટે વિશેષ વ્યવસ્થા, જીપ્સીના આગળના કાચ દૂર કરવાનો નિર્ણય