જૂનાગઢઃ આ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેનની આજે સર્વનુમતે વરણી કરવામાં આવી છે. હરેશભાઈ ઠુમર પંચાયતના પ્રમુખ બન્યા છે જ્યારે ઉપ પ્રમુખ બન્યા છે મુકેશભાઈ કણસાગરા અને કારોબારી ચેરમેન બન્યા છે દિલીપસિંહ સિસોદિયા. આવતીકાલે જૂનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાવાની છે. જેમાં આ હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી સંદર્ભે વરણી થઈ હોવાની ચર્ચાઃ ભાજપ મોવડી મંડળ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હોવાની ચર્ચા પણ થઈ રહી છે. હરેશભાઈ ઠુંમર અને મુકેશભાઈ કણસાગરા પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની જિલ્લા પંચાયતની મેંદરડા અને શાપુર બેઠકો પર વિજેતા થયા છે. જ્ઞાતિ સમીકરણ મુજબ પસંદગી કરી હોવાનો મત પણ સ્થાનિકોમાં પ્રવર્તે છે.
આગામી દિવસોમાં જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જૂનાગઢ અને પોરબંદર બંને લોકસભા બેઠકો ભારે બહુમતથી ભાજપ જીતશે જ. અમારા પક્ષનું સંગઠન અને કાર્યકરોની શક્તિના જોરે અમે ઉમેદવારોને મોટી લીડથી જીતાડીશું...હરેશ ઠુંમર (પ્રમુખ, જૂનાગઢ જિલ્લા પંચાયત)
જ્ઞાતિ સમીકરણઃ પંચાયત પ્રમુખ તરીકે પસંદ થયેલા હરેશભાઈ ઠુમર લેઉવા પાટીદાર સમાજ માંથી આવે છે. ઉપ પ્રમુખ તરીકે પસંદ થયેલા મુકેશભાઈ કણસાગરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે કારોબારીના ચેરમેન તરીકે પસંદ થયેલા દિલીપસિંહ સિસોદિયા ઓબીસી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ હોદ્દેદારોની જ્ઞાતિને આધારે લોકસભા ચૂંટણી માટે જ્ઞાતિ સમીકરણ કામ કરી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.