- જૂનાગઢના 73માં મુક્તિ દિવસની કરાઇ ઉજવણી
- આરઝી હકુમતના સ્મારકનાનુ વિધિવત પૂજન કરીને લડવૈયાઓને અપાય શ્રદ્ધાંજલિ
- આરજી હકુમતનું જૂનાગઢમાં કાયમી સ્મારક બને તે માટે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી માગ
જૂનાગઢઃ આજે જૂનાગઢનો 73મો મુક્તિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં આરઝી હકુમતના સ્મારકના સ્થળ પર શીલાનું પૂજન કરીને જૂનાગઢની મુક્તિ માટે ચળવળે ચડેલા તમામ લડવૈયાઓને આજના દિવસે યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આજના આ પૂજન વિધિ કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય, કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોએ શીલાનું પૂજન કરીને જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી કરી હતી. અને તેના લડવૈયાઓને આજે યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આરઝી હકુમતનુ કાયમી સ્મારક બને તે માટે સરકાર સમક્ષ કરાઈ માગ
આજે જૂનાગઢની મુક્તિ દિવસની ઉજવણીમાં હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય અને આરઝી હકુમતના સ્મારકના માટે વર્ષ 1997થી સતત લડતા આવતા મહેન્દ્ર મશરૂએ સરકાર સમક્ષ જૂનાગઢમાં કાયમી સ્મારક બનાવવાની માગ કરી છે. વર્ષ 1997માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન દિલિપ પરીખની હાજરીમાં બહાઉદ્દીન કોલેજના મેદાનમાં આરઝી હકૂમતની સ્મારકનું શિલારોપણ વિધિ થઇ હતી. ત્યારથી અહીં જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી અને પૂજન વિધિનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે પરંતુ જૂનાગઢમાં હજુ સુધી આંરઝી હકુમતનું કોઈ કાયમી સ્મારક બન્યું નથી. તેને લઈને વસવસાની સાથે રોષ પણ વ્યક્ત કર્યો હતો.
શા માટે જરૂરી છે આરજી હકુમતનું જૂનાગઢમાં કાયમી સ્મારક
કોઈપણ રાજ્ય કે પ્રાંત તેની આઝાદીની ચળવળની લડાઇને ક્યારેય ભુલી શકતું નથી. ત્યારે આવનારી પેઢીના નવા વારસદારો પોતાની માતૃભૂમિ અને જન્મસ્થળની આઝાદી માટેની ચળવળ લડાઈ અને આંદોલન થયા છે. તે આવા સ્મારકો થકી આજીવન પોતાની સ્મૃતિમાં રાખી શકે અને આઝાદીની લડાઈ અને ચળવળ શું હતી ? અને કેવા પ્રયાસોથી આજે આપણે આઝાદ જોવા મળી રહ્યા છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી શકે.
વર્ષ 1997થી આરઝી હકુમતના કાયમી સ્મારકની માગ આજે પણ પડતર
પરંતુ વર્ષ 1997થી જૂનાગઢમાં આરઝી હકુમતના કાયમી સ્મારકને લઈને અનેક વખત રજુઆતો થઇ છે પરંતુ, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ કાયમી અને નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી. જો આ જ પ્રકારે આરઝી હકુમતના સ્મારક બનાવવાને લઇને ઉદાસીન વલણ દાખવવામાં આવશે તો આવનારી પેઢી આઝાદીના ઉજળા અધ્યાયને ક્યારેય જોઈ નહીં શકે, સમજી નહીં શકે અને અંતે તે સમય આવશે કે આવનારી નવી પેઢી આઝાદી શું છે. કેમ મળી છે અને તેનું મહત્વ કેટલું હોવું જોઈએ તે પ્રત્યેની કોઈપણ માહિતી પ્રાપ્ત નહીં કરી શકે જેને કારણે તેઓ દિશાશૂન્ય બની જવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.