જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. પરિક્રમા દરમ્યાન આજ સુધી 108 ઈમરજન્સી સેવા દ્વારા પરિક્રમા પથ પર રહેલા 129 જેટલા પરિક્રમાર્થીઓને આકસ્મિક સમયમાં તબીબી સવલતો મળી રહે તે માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ સમય દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા દર્દીને 108 એમ્બ્યુલન્સના સમય દરમિયાન મેડિકલ સવલતો પૂરી પાડી હતી.
પરિક્રમા દરમિયાન 108ની કામગીરી : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. આ સમય દરમિયાન 108ની વિશેષ સેવાઓ સામે આવી છે. 20 તારીખથી લઇને આજ દિન સુધી પરિક્રમામાં આવેલા 129 જેટલા વ્યક્તિઓને આકસ્મિક સ્થિતિમાં તબીબી સારવાર માટે સલામત સ્થળે પહોંચાડીને તમામ પરિક્રમાર્થીઓને નુકસાન થતા બચાવી શકાય તે માટે આ વર્ષે પરિક્રમા દરમિયાન 108ની વિશેષ સવલતો લેવામાં આવી હતી.
સતત 24 કલાક કાર્યરત તબીબી સ્ટાફ : જેને ધ્યાને રાખીને 108ની એમ્બ્યુલન્સ દ્વારા સતત 24 કલાક ભવનાથ અને પરિક્રમા વિસ્તારમાં મુકામ કરીને કોઈ પણ તબીબી આકસ્મિક પરિસ્થિતિમાં પરિક્રમાથીઓ સુધી પહોંચાડી શકાય તેવું આયોજન કરાયું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા સહાયક કર્મચારીઓએ પણ પરિક્રમાથીઓને એમ્બ્યુલન્સમાં તબીબી સવલતો આપીને તેમને હોસ્પિટલ સુધી પહોંચતા કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો છે.
108એ પૂરી પાડી તબીબી સેવાઓ : 108 ઇમરજન્સી સેવાઓ દ્વારા અત્યાર સુધીમાં 129 જેટલા દર્દીઓને તબીબી સવલતો પૂરી પાડી છે. જેમાં દૈનિક ધોરણે 88 જેટલા કેસ નોંધાયા હતાં. જે પૈકી પરિક્રમા પથ પર ચાલી રહેલા 41 અને ગિરનાર ક્ષેત્રમાં પરિક્રમા માટે આવેલા તબીબોનો સમાવેશ થાય છે. પાછલા પાંચ દિવસ દરમિયાન 108 સેવા દ્વારા 30 કિસ્સામાં પરિક્રમાથીઓને મેડિકલ સાત જેટલા દર્દીઓને માનસિક અને મગજ સંબંધિત સારવાર આપવા માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો ચાર જેટલા દર્દીઓને હૃદય સંબંધી બીમારી થતા તેઓને હોસ્પિટલે ખસેડીને સમયસર સારવાર આપીને કુલ 41 જેટલા દર્દીઓનો જીવ બચાવવામાં સફળતા મળી છે.
108ના ઓપરેશન મેનેજરે આપી વિગતો : જૂનાગઢ જિલ્લા 108ના ઓપરેશન મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણે લીલી પરિક્રમા દરમિયાન 108ની કામગીરીને લઈને વિગતો આપી છે. મહેન્દ્રસિંહ ચૌહાણ જણાવે છે કે આજના દિવસ સુધી 129 જેટલા દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં એમ્બ્યુલન્સના કર્મચારીને સફળતા મળી છે. હજુ પણ ત્રણ દિવસ પરિક્રમાનો મેળો ચાલશે. આ સમય દરમિયાન પણ કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળવા માટે 108ની ટીમ 24 કલાક કાર્યરત જોવા મળશે.