જૂૂનાગઢ : સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ખાસ કરીને સોમનાથ અને મહુવા પંથકમાં જેને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે તેવા નાળિયેરીના પાક પર છેલ્લા બે વર્ષથી સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ અને ઉપચાર માટે આજે એક દિવસીય સેમિનાર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સફેદ માખીના ઉપદ્રવ અને તેના ઉપચાર વિશે માહિતી પૂરી પાડી હતી.
નાળીયેરના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ : જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આજે નાળિયેરીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવ પર એક દિવસના સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા 500 કરતાં વધુ ખેડૂતોએ હાજર રહ્યા હતા. જેમાં નાળિયેરીમાં આવેલા નવી સફેદ માખીના ઉપદ્રવને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તે માટેના સૂચનો પ્રાપ્ત કર્યા હતા. છેલ્લા બે વર્ષથી નાળિયેરીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગીર કાંઠાથી લઈને મહુવા સુધીના વિસ્તારમાં નાળિયેરીની પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે, પરંતુ સફેદ માખીના ઉપદ્રવને કારણે હવે નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતિત બની રહ્યા છે.
સફેદ માખીના ઉપદ્રવને કારણે નાળિયેરીના પાકમાં ખૂબ જ માઠા પરિણામો જોવા મળે છે. સૌરાષ્ટ્રની લોટણ સહિત અન્ય બોના(ઠિગણી) પ્રજાતિના જાડોમાં પણ સફેદ માખીને કારણે ફળનું આવરણ અને વૃક્ષની આવરદા ઘટી રહી છે. જે આવનારા દિવસોમાં ખૂબ જ ચિંતા ઉભી કરી શકે તેમ છે. આજના પરી સંવાદમાં સફેદ માખીનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેને લઈને વિષય નિષ્ણાંતોનો અભિપ્રાયો અને ખેડૂતોની હાજરીમાં રોગ નિયંત્રણ અને દવા વિશે ચર્ચાઓ કરવામાં આવશે. - વી.પી. ચોવટીયા (કુલપતિ, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી)
સફેદ માખીનું નિયંત્રણ ખૂબ જરૂરી : સફેદ માખી મુખ્યત્વે યુરોપના દેશોમાં જોવા મળતી હતી, પરંતુ પાછલા કેટલાક સમયથી ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળે છે. સફેદમાંથી નો ઉપદ્રવ પ્રારંભિક સમયમાં નાળિયેરીના પાકમાં જોવા મળતો હતો, પરંતુ આજે સમય બદલાતા સફેદ માખીનો ઉપદ્રવ નાળિયેરીની સાથે અન્ય 8થી 10 જેટલા ફળ પાકોમાં પ્રસરી રહ્યો છે, જે ખૂબ મોટી ચિંતાનું કારણ આગામી વર્ષો દરમિયાન બની શકે છે, હજુ સુધી નાળિયેરીમાં તેનું નિયંત્રણ થયું નથી, ત્યારે અન્ય પાકોમાં તેનો ફેલાવો ફળફળાદી પાકોની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને મોટી ચિંતામાં મૂકી રહ્યો છે.