- મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની ઉજવણી જૂનાગઢ શહેર ભાજપે કરી
- શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- યુવા ભાજપના કાર્યકરોએ રક્તદાન કેમ્પમાં સામેલ થઈને રક્તદાન કર્યુ
જૂનાગઢ : કેન્દ્રની મોદી સરકાર આજે સાત વર્ષ પૂરા કરી રહી છે. જેના ઉપલક્ષમાં આજે રવિવારે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્તદાન કેમ્પ થકી એકત્ર કરવામાં આવેલું લોહી જરૂરિયાતમંદ અને કોરોના સંક્રમિત કાળમાં હોસ્પિટલ અને અન્ય દર્દીઓને આપવામાં આવશે. આજે દિવસ દરમિયાન જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ જ પ્રકારની ઉજવણી થતી જોવા મળશે. વર્ષ 2019ની ૩૦મી મેના દિવસે મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી. તેના આજે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને મોદી સરકારને આજે સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સરકાર પર નિશાનઃ 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી
ભાજપના કાર્યકરો અનોખી રીતે સત્તાના સાત વર્ષની ઉજવણી કરી રહ્યા છે
વર્ષ 2014માં મોદી સરકારે પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવીને કેન્દ્ર સરકારમાં પૂર્ણ બહુમતીની સરકાર રચી હતી, ત્યારબાદ વર્ષ 2019માં પાંચ વર્ષ પૂર્ણ થતા ફરી એક વખત ચૂંટણીઓ આવી હતી. જેમાં પણ મોદીના નેતૃત્વમાં ભાજપનો જ્વલંત વિજય થયો હતો, ત્યાર બાદ રચાયેલી સરકાર આજે બે વર્ષ પૂર્ણ કરી રહી છે. જેની ઉજવણી ભાજપના કાર્યકરો આજે જૂનાગઢમાં રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરી રહ્યા છે.