જુનાગઢ: જુનાગઢ ACBની ટીમે થોડા દિવસો પહેલાં ઉના નજીક આવેલ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર રાત્રિના સમયે રેડ કરીને નિલેશ તડવી નામના એક વ્યક્તિની અટકાયત કરી હતી. ACBની આ અચાનક રેડથી ઉના પોલીસ મથકમાં સોંપો પડી ગયો હતો અને મોટાભાગના પોલીસ કર્મચારીઓએ પોતાના ફોન સ્વીચ ઓફ કરીને સમગ્ર મામલાથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે ACBની રેડ દરમિયાન ઊના પીઆઇ એન.કે.ગોસ્વામી અચાનક રજા પર ઉતરી જતાં સમગ્ર મામલો વધુ ઘેરો બન્યો હતો. ગઈકાલે શુક્રવારે જુનાગઢ ACBએ પોલીસ વતી તોડ કરતા નિલેશ તડવી નામના આરોપીને ઉના કોર્ટમાં રજૂ કર્યો હતો.
ઉના PIના તોડની ખુલી પોલ: ACBને મળેલી બાતમીના આધારે ઉના નજીક આવેલા અહેમદપુર માંડવી નજીક પોલીસ ચેકપોસ્ટમાં ખાનગી વ્યક્તિઓ દ્વારા દારૂ સહિત નશીલા પદાર્થોની હેરફેર માટે તોડ કરવામાં આવતો હોવાનું જણાયું હતું. આ તોડ કોઈ અન્ય નહીં પરંતુ ઉના પોલીસ મથકના PI દરજ્જાના અધિકારી કરી રહ્યા હતા. તોડ માટે ખાનગી વ્યક્તિઓને રોકીને સમગ્ર તોડનું કારસ્તાન ચલાવી રહ્યા હતાં. સમગ્ર મામલામાં જુનાગઢ ACBને ફરિયાદ મળતા રાત્રિના સમયે અહેમદપુર માડવી ચેકપોસ્ટ પરથી પોલીસ વતી તોડ કરતા નિલેશ તડવી નામના વ્યક્તિની અટકાયત કરી હતી અને તેને જુનાગઢ ACB કચેરીએ લાવવામાં આવ્યો હતો. નિલેશની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલામાં ઉનાના પીઆઇ એન.કે.ગોસ્વામી અને પોલીસ મથકના અન્ય એક કર્મચારીની સંડોવણી બહાર આવતા જુનાગઢ ACBએ ઉનાના પીઆઇ એન.કે.ગોસ્વામી અને અન્ય એક પોલીસ કર્મચારી સામે વિધિવત ફરિયાદ દાખલ કરી છે.
રાજકોટ ACBને સોંપાઈ તપાસ: ઉના પોલીસ મથકના પી.આઈ તોડ પ્રકરણમાં સામેલ જણાતા જુનાગઢ ACBએ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, અને સમગ્ર મામલામાં વધુ તપાસ રાજકોટ એસીબીને સોંપવામાં આવી છે. નશાબંધી વિભાગ દ્વારા સંઘપ્રદેશ દીવને જોડતી અહેમદપુર માંડવી અને તડ ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી છે. પરંતુ અહીંથી દારૂની હેરફેર થતી જોવા મળે છે. જેના કારણે કેટલાક ખાનગી વ્યક્તિઓ પોલીસ માટે તોડ કરતા હોવાની વિગતો પણ સામે આવી હતી. ત્યારે જુનાગઢ એસીબીને મળેલી બાતમીને આધારે રેડ કરીને અહીંથી ખાનગી વ્યક્તિઓ પોલીસના નામે તોડ કરીને ઉના પોલીસ મથકના અધિકારીઓ સાથે મળીને ગેરરીતિઓ આચરી રહ્યા હતા. જેનો ACBએ પર્દાફાશ કરતા સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે