જૂનાગઢઃ રાજ્યની મહિલાઓ સુરક્ષિત છે તેવા સરકારી દાવાની પોલ જૂનાગઢ નજીકના જાલણસર ગામની મહિલાઓએ આજે ખોલી નાખી છે. જાલણસર ગામમાં કેફી પદાર્થો, માંસ-મટનનું ખુલ્લેઆમ વેચાણ અને મહિલાઓની છેડતીના બનાવોની સંખ્યા ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સમસ્યાઓથી પરેશાન થઈ ઉઠેલા ગામવાસીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટર ઓફિસ સુધી ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ગામવાસીઓએ જિલ્લા કલેક્ટરને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આવેદન પાઠવ્યું હતું.
20 વર્ષથી યથાવત છે સમસ્યાઓઃ જાલણસર ગામમાં છેલ્લા 20 વર્ષોથી સામાજિક બદીઓ સ્થાનિકોને કનડી રહી છે. આ સમસ્યાઓના અજગરી ભરડામાં સ્થાનિક મહિલાઓ પીસાઈ રહી છે. ગામમાં કેફી પીણા તેમજ માંસ મટન જેવી વસ્તુઓનું ખુલ્લેઆમ અને બેફામ વેચાણ થઈ રહ્યું છે. અસામાજિક તત્વો દ્વારા ગામની ગોચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે. આ તત્વો નશામાં ધૂત થઈને ગામની બહેન, દીકરીઓ સાથે છેડતી કરતા હોય છે. ગામનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ આ દૂષણોથી વિક્ષિપ્ત થઈ રહ્યું છે. ગામમાં પીવાના પાણીની પણ બહુ સમસ્યાઓ છે. પીવાનું પાણી અયોગ્ય હોવાને લીધે અનેક ગામવાસીઓ કેન્સર જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાઓ છેલ્લા 20 વર્ષોથી સ્થાનિકોને ત્રાસ આપી રહી છે.
જાલણસરવાસીઓનું હલ્લાબોલઃ જાલણસર ગામ છેલ્લા 20 વર્ષોથી અસામાજિક તત્વોનો ત્રાસ સહન કરી રહી છે. અનેક કક્ષાએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવતા હવે ગ્રામ્યજનોની સહનશક્તિની હદ આવી ગઈ છે. તેમનો રોષ ફાટી નીકળ્યો છે. આજે સમસ્ત ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. એક ટ્રેકટર રેલી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. અગ્રણીઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. જિલ્લા કલેક્ટરે આ આવેદન પત્ર સ્વીકારીને આ સમસ્યાના નિરાકરણ માટે ઘટતું કરવાની ખાત્રી આપી છે.
છેલ્લા 20 વર્ષથી જાલણસર ગામ અસામાજિક તત્વોના આતંકથી પીડાય છે. ગોચરમાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે. વારંવાર મહિલા છેડતીના બનાવો બને છે. અનેક કક્ષાએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. ખુલ્લેઆમ ગેરકાયદેસર કેફી પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આખું ગામ પીવાના પાણી સમસ્યાથી પણ પીડાય છે. આજે અમે કલેક્ટર કચેરીમાં ટ્રેક્ટર ભરીને આવ્યા છીએ. જો સમસ્યા નહિ ઉકલે તો મોટી સંખ્યામાં ટ્રેક્ટર ભરીને અહીં ઉમટી પડીશું અને અહીંથી જવાના નથી...હેતલ ઉસદડિયા(સ્થાનિક, જાલણસર, જૂનાગઢ)