જુનાગઢ : રાજસ્થાનના અજમેરનો રોહિત બંસલ નામનો યુવાન સાયકલ યાત્રા પર ભારત ભ્રમણે નીકળ્યો છે. આજે 22 દિવસ બાદ અમદાવાદ, દ્વારકા, સોમનાથ થઈને તે જુનાગઢ આવી પહોંચ્યો હતો. સાયકલ યાત્રા પર નીકળવાનું તેનું ધ્યેય ભારતના વિવિધ રાજ્યોની સામાજિક, ધાર્મિક, લોક સંસ્કૃતિ અને ખોરાક, રહેણી-કહેણી સહિત અનેક પાસાઓને ખૂબ જ નજીકથી જાણવા માણવાનો છે. ઉપરાંત એક રાજ્ય બીજા રાજ્યથી સંસ્કૃતિ, ખોરાક અને રહેણી કહેણીની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડી રહ્યું છે, તેની જાણકારી મેળવવા માટે રોહિત બંસલ સાયકલ પર ભારત ભ્રમણે નીકળ્યો છે.
સાયકલ પર ભારતયાત્રા : પાછલા 22 દિવસથી સાયકલ પર ફરી રહેલા રોહિત તેના સામાન સાથે નિકળ્યો છે. ખાસ કરીને સાયકલમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તેનું સમારકામ કરી શકાય તે માટેના સાધનો સાથે સાયકલ યાત્રા પર નીકળ્યો છે. કોઈ જગ્યા પર રાતવાસો કરવો હોય તો ત્યાં રોકાઈ શકાય તેટલો સામાન પણ સાયકલ પર જોવા મળે છે. પ્રતિ દિવસ 70 km જેટલું અંતર કાપે છે. ત્યારબાદ નજીકના સ્થળે રાતવાસો કરી શકાય તેવા સ્થળે તે રોકાય છે. વહેલી સવારે ફરી એક વખત સાયકલને કોઈ નવા મુકામ તરફ ચલાવતો જોવા મળે છે. રોહિતની આ સાયકલ યાત્રા 22 દિવસ પૂર્વે શરૂ થઈ છે. જે આગામી બે વર્ષ સુધી ચાલવાની શક્યતા તેણે પોતે વ્યક્ત કરી છે.
ગુજરાતની મહેમાનગતિ : રોહિત બંસલ ગુજરાતની મહેમાન ગતિને સૌથી સારી માની રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે, અહીં મારી સાથે ખૂબ સારો વ્યવ્હાર કરવામાં આવે છે. આ પ્રકારનો વ્યવહાર અન્ય રાજ્યોમાં ખૂબ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં આ વ્યવહાર બિલકુલ સામાન્ય છે. જેને કારણે તેની ગુજરાત સાયકલ યાત્રા બિલકુલ સફળતાપૂર્વક આગળ ચાલી રહી છે.
અહીંના લોકો ખૂબ જ લાગણીસભર હોવાની સાથે માનવતાભર્યો વ્યવહાર પણ કરી રહ્યા છે. કોઈપણ વ્યક્તિને જાણ થાય કે તેના ગામમાં કોઈ પ્રવાસી આવ્યો છે. તો તેમને રહેવા જમવાની સાથે તમામ પ્રકારની સુવિધા બિલકુલ વિનામૂલ્યે પૂરી પાડે છે.-- રોહિત બંસલ (સાયકલ યાત્રી, અજમેર)
સાયકલ યાત્રાનો આશય : ભારત યાત્રા પર સાયકલ લઈને નીકળેલા અજમેરના રોહિત બંસલે ઈ ટીવી ભારત સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારત ખૂબ જ વિવિધતા ભર્યો દેશ છે. ભોજનથી લઈને આબોહવા, સંસ્કૃતિ, રીતરિવાજ તમામ પ્રકારમાં વિભિન્નતા જોવા મળે છે. એટલે જ ભારત વિશ્વના તમામ દેશો કરતા અલગ તરી આવે છે. કોઈ પણ વ્યક્તિએ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન એક વર્ષ ભારતને જાણવા અને તેને ઓળખવા માટે આપવું જોઈએ. સામાન્ય લોકોમાં સદભાવના પ્રેરાય તે માટે હું ભારત યાત્રા પર સાયકલ લઈને નીકળ્યો છે.