જૂનાગઢના ઉપરકોટ વિસ્તારના પાછળના ભાગમાં આવેલી એક મહાકાય દિવાલ ધરાશાયી થતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેની તપાસ કરતા આ વીડિયો 25 તારીખનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરકોટના પાછળના ભાગમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે જ્યાં કેટલાક માલધારીઓ તેમના પશુધન સાથે રહે છે.
આ વિસ્તારમાં કોઈ ખાનગી માલિકીની મિલકતની મહાકાય કહી શકાય તેવી એક ખૂબ ઊંચી અને મોટી દિવાલ અચાનક ધરાશાયી થઈ પડતા ખૂબ મોટો અકસ્માત થયો હતો. સદનસીબે જે સમયે આ દીવાલ ધરાશાહી થઈ રહી હતી તે સમયે અહીં આવેલા મકાનોમાં કોઈપણ વ્યક્તિની હાજરી નહીં હોવાને કારણે જાનહાનિના કોઈ સમાચાર નથી.
આ વિસ્તારમાં આટલી મોટી મહાકાય દીવાલનું નિર્માણ થઇ રહ્યું હતું જે ચિંતાનો વિષય છે તેમજ આ વિસ્તારમાં બાંધકામ થઇ રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે આ બાંધકામ પૂર્વ મંજૂરી સાથે કરવામાં આવ્યું હતું કે બાંધકામ ગેરકાનૂની છે તે તપાસનો વિષય છે. જો તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે તો કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. એક ખુબ મોટો અકસ્માત કહી શકાય તેવી ઘટના જૂનાગઢમાં ઘટી છે પરંતુ સદનસીબે અહીં એક પણ વ્યક્તિને સામાન્ય ઇજા નહી થતાં આવડી મોટી અકસ્માતની ઘટના પસાર થઈ તે કુદરતના કરિશ્મા સમાન લોકો માની રહ્યા છે. ખાસ નોંધ: આપને જણાવી દઈએ કે, Etv Bharat આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.