જુનાગઢ : જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની પોલીસ અધિક્ષક ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ પરિવાર અને જુનાગઢના રહેવાસીઓએ આજે પુષ્પના વરસાદે સાથેની ભવ્યાતીભવ્ય વિદાય આપી હતી. આ પ્રકારે કોઈ અધિકારીને વિદાય આપવામાં આવી હોય તેવો પહેલો બનાવ હતો. અગાઉ સૌરભસિગની વર્ષ 2019 માં કચ્છ ખાતે બદલી થતાં તેમને પણ ખૂબ જ ભવ્ય રીતે વિદાયમાન કર્યા હતા. પરંતુ રવિ તેજા વાસમ શેટ્ટીને ખૂબ અલગ રીતે પોલીસ પરિવાર અને જુનાગઢના રહેવાસીઓએ વિદાય આપી હતી.
પોલીસવડાની ભવ્ય સવારી : પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના વિદાય સમારંભની શરૂઆત પોલીસ અધિક્ષક કચેરીથી થઈ હતી. જ્યાં પોલીસ પરિવારોએ પુષ્પોના વરસાદ સાથે સુશોભિત કરાયેલ પોલીસવડાની ગાડીમાં તેમને બિરાજમાન કરાયા હતા. પોલીસ અધિક્ષક કચેરીથી પોલીસ પરિવારનો કાફલો જૂનાગઢના માર્ગો પરથી પસાર થયો હતો. આ સમય દરમિયાન માર્ગ પર જુનાગઢના રહેવાસીઓએ વિદાય લઇ રહેલા પોલીસ અધિક્ષકને અનોખી રીતે વિદાય આપી હતી.
અનોખી વિદાય : જુનાગઢના અનેક વિસ્તારોમાં રવિ તેજા પર પુષ્પોના વરસાદ સાથે જૂનાગઢના તેમના કાર્યકાળ દરમિયાન યશસ્વી કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત નવા જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે જઈ રહ્યા છે તેમની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રવિ તેજાની સ્વર્ણિમ કાર્યકાળ : જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની પોલીસ અધિકારી તરીકેની નિમણૂક જૂનાગઢમાં પ્રથમ વખત કરવામાં આવી હતી. માંગરોળ ખાતે વિભાગી પોલીસ અધિક્ષક તરીકે તેમને ડેપ્યુટેશન પર જવાબદારી આપવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ખૂબ જ સફળતાપૂર્વક પોલીસ કામગીરી કરનાર રવિ તેજા વાસમ શેટ્ટીની ત્યારબાદ બદલી કરીને તેમને અમદાવાદમાં ડીસીપી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જ્યાં તેઓ બે વર્ષ કરતાં વધુ સમય પોલીસ વિભાગમાં કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019 માં તેમને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી. હવે આજે તેઓ જૂનાગઢમાં ખૂબ જ સફળતાપૂર્વક પોલીસ અધિક્ષક તરીકેની કામગીરી પૂર્ણ કરીને રાજ્યની રાજધાની ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે.