જૂનાગઢ: પુરુષોત્તમ માસ જેને સનાતન ધર્મ સંસ્કૃતિમાં અધિક શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે એક વખત અધિક શ્રાવણ માસ એટલે કે પુરુષોત્તમ માસ આવતો હોય છે. આ એક મહિના દરમિયાન દાન પુણ્ય અને સ્નાનનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. 30 દિવસ સુધી શ્રી હરિની ભક્તિ માટે એક માસ નિર્ધારિત કરાયો છે. ત્યારે ખૂબ જ ધાર્મિક અને પ્રાચીન મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડમાં આજે કૃષ્ણ પક્ષ અધિક માસ અને શુક્લ પક્ષની અગિયારસે ખૂબ મોટી સંખ્યામાં ગોપીઓએ પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને ગોરમાનું પૂજન કર્યું હતું.
ત્રણ વર્ષે એક વખત અનોખો સંયોગ: સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હિંદુ પંચાંગ મુજબ દર ત્રણ વર્ષે એક વખત શ્રાવણ માસ પૂર્વે અધિક શ્રાવણ કે પુરુષોત્તમ માસ આવતો હોય છે. આ 30 દિવસ દરમિયાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને ધાર્મિક સ્થાનોમાં સ્નાન ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા ગોરમાનું પૂજન કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યું છે. તે મુજબ આજે ગોપીઓએ દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને પુરુષોત્તમ માસની અગિયારસનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.
"પવિત્ર દામોદર કુંડ ભગવાન શ્રીકૃષ્ણ ની સાથે નરસિંહ મહેતા અને તેમના સમગ્ર પરિવાર સાથે જોડાયેલો છે અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને નરસિંહ મહેતાએ સ્નાન કર્યું હોવાની ધાર્મિક વાયકા છે તેમજ ચારધામની યાત્રા પૂર્ણ કરીને કોઈ પણ ભક્ત જ્યાં સુધી દામોદર કુંડમાં સ્નાન ન કરે ત્યાં સુધી તેમની ચારધામની યાત્રા પૂર્ણ ગણાતી નથી આવા પવિત્ર સ્થળ પર આજે પુરુષોત્તમ માસની અગિયારસના દિવસે સ્નાન કરીને ધન્યતા પ્રાપ્ત કરી છે"--નયનાબેન રાવલ (શ્રદ્ધાળુ)
ખૂબ મોટું મહત્વ: તીર્થ ગોર યતીન વ્યાસ પુરુષોત્તમ માસને લઈને જણાવ્યું હતું કે દામોદર કુંડ ધાર્મિક આસ્થાનું પ્રતિક છે. અહીં ભગવાન શ્રી હરિ વિષ્ણુની હાજરી સદાય જોવા મળે છે. જેથી દર ત્રણ વર્ષે આવતા અધિક માસ દરમિયાન અહીં સ્નાન અને ધાર્મિક વિધિનું ખૂબ મોટું મહત્વ છે. ત્યારે આજે અગિયારસ ના દિવસે ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર અધિક માસને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.