જૂનાગઢઃ વર્ષ 1889માં ગિરનાર પર્વતની સીડીના 9999 પગથિયા બનાવવાના ખર્ચને પહોંચી વળવા માટે ગિરનાર લોટરી શરુ કરવામાં આવી હતી. આ લોટરી જૂનાગઢના નવાબ બહાદુર ખાન ત્રીજાના શાસનકાળમાં બહાર પાડવામાં આવી હતી. આ લોટરીનું સઘન માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોટરીનું પ્રથમ ઈનામ મુંબઈના મહિલાને મળ્યું હતું. જે રુપિયા 10000 જેટલી માતબર રકમ હતી. ઈનામની રકમ ચૂકવાઈ ગયા બાદ વધેલ રકમમાંથી સીડીના 9999 પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ગિરનાર સીડીનો ઈતિહાસઃ જૂનાગઢ ઈતિહાસ સાથે સંકળાયેલા પુસ્તકોમાં ગિરનાર પર્વત પરની સીડી વિશેની ઐતિહાસિક માહિતી મળે છે. સૌ પ્રથમ ગિરનાર પર્વત પર સીડીનું નિર્માણ સોલંકી રાજવી કુમારપાળે કરાવ્યું હતું. ત્યારબાદ વિક્રમ સંવંત 1683માં સંઘજીએ કુમારપાળે બંધાવેલ સીડીનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યારબાદ 1889માં જૂનાગઢના નવાબ બહાદુર ખાન ત્રીજા દ્વારા ભવનાથ તળેટીથી ગુરુદત્તાત્રેય શિખર સુધી જવા માટે પગથિયાની યોજના અમલી બનાવાઈ હતી. જો કે આ વખતે સીડીના પગથિયા બનાવવા માટે ગિરનાર લોટરી શરુ કરાઈ હતી. આ લોટરીના નાણાંમાંથી વર્ષ 1889માં સીડી બનાવવાનું શરુ કરવામાં આવ્યું. કુલ 1,50,000 રુપિયાના ખર્ચે વર્ષ 1908માં સીડીનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું.
લોટરી વિષયકઃ વર્ષ 1889માં જૂનાગઢના નવાબે ગિરનાર પર સીડી બનાવવાનું નક્કી કર્યુ ત્યારે કરવેરો ઉઘરાવવાને બદલે અન્ય વિકલ્પો પર વિચાર કર્યો હતો. જેમાં લોટરીના ઉપાય પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ ગિરનાર લોટરીની ટિકિટની કિંમત 1 રુપિયો રાખવામાં આવી હતી. આ લોટરી ભારતની પ્રથમ લોટરી હોવાનો મત છે. લોટરીની ટિકિટ બહાર પડે ત્યાંથી લઈ વિજેતાને ઈનામ મળી રહે ત્યાં સુધીના સંચાલન માટે 11 સભ્યોની એક કમિટિ પણ બનાવવામાં આવી હતી. જેમાં તત્કાલીન અગ્રણી બેચરદાસ વિહારીદાસ અને ડૉ. ત્રિભુવન શાહનો સમાવેશ થતો હતો. જૂનાગઢ રાજ્યએ પોતાના ગેઝેટમાં જાહેરાત પણ બહાર પાડી હતી.
પ્રોફેશનલ લોટરીઃ આ ગિરનાર લોટરીની પ્રોસેસ એક પ્રોફેશનલ અને ટ્રાન્સપરન્ટ રીતે કરવામાં આવી હતી. જેમાં લોટરીની જાહેરાત જૂનાગઢના ગેઝેટમાં કરવામાં આવી હતી. જેમાં આ લોટરીનું સઘન માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. આ માર્કેટિંગમાં આજના જમાનામાં વપરાતા સ્લોગન અને જિંગલ જેવી પદ્ધતિ અપનાવાઈ હતી. લોટરીના માર્કેટિંગ માટે "મારે તેની તલવાર, ભણે તેની વિદ્યા અને ભરે તેની લોટરી" સ્લોગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે આ સ્લોગન અખંડ ભારતમાં બહુ જાણીતું બન્યું હતું. આ સ્લોગનનો હેતુ બર આવ્યો અને લોટરી ફેસમ થઈ ગઈ. માત્ર ગુજરાત જ નહિ પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ લોટરી નાગરિકોએ ખરીદી હતી. તે સમયે કરાંચી અને બાંગ્લાદેશ સુધી પણ લોટરી વેચાઈ હતી.
4 દિવસ ડ્રો ચાલ્યોઃ વર્ષ 1892માં 15મી મેના રોજ આ લોટરીનો ડ્રો શરુ કરવામાં આવ્યો હતો. જે 19 મે સુધી એટલે કે સતત 4 દિવસ ચાલ્યો હતો. આ ડ્રો જૂનાગઢના ફરાસખાનામાં યોજાયો હતો. જેમાં અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો અને લોટરી ધારકો ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા લોકો પાસે તટસ્થતા પૂર્વક ડ્રોની પ્રક્રિયા કરાવવામાં આવી હતી. જેમાં પ્રથમ ઈનામ મુંબઈના મહિલા સવિતા ખાંડવાળાને 10000 રુપિયા મળ્યું હતું. ત્યારબાદ બીજુ ઈનામ પંજાબ અને ત્રીજુ ઈનામ નવસારીના નાગરિકને મળ્યું હતું. વર્ષ 1905 સુધી ગિરનાર લોટરીનું છૂટક વેચાણ ચાલતું હતું. ત્યારબાદ આ લોટરી બંધ કરી દેવામાં આવી હતી.
લોટરીનું સઘન માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. હાજર લોકો દ્વારા તટસ્થ ડ્રો કરાવવામાં આવ્યો હતો. તેનું પ્રથમ ઈનામ મુંબઈના મહિલા સવિતા ખાંડવાળાને 10000 રુપિયા મળ્યું હતું. વર્ષ 1908માં આ સીડીનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ સીડી નિર્માણ માટેની પ્રક્રિયા દર્શાવતો શીલાલેખ અંગ્રેજી અને ગુજરાતીમાં આજે પણ સીડી પર મોજૂદ છે...પ્રદ્યુમન ખાચર(ઈતિહાસકાર, જૂનાગઢ)