વેરાવળ : વેરાવળ ખાતે ઇસરો incois - ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ અને icar - ભારતીય કૃષિ સંશોધન સંસ્થા તેમજ cift - સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફિશરીઝ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આધુનિક સમયમાં માછીમારી અને દરિયાઈ સફર દરમિયાન સાગર ખેડુને ઉપયોગી થતી ટેકનોલોજી તેમજ માછીમારી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે તે અંગે વૈજ્ઞાનિકોએ સાગરખેડુને ટેકનોલોજીથી માહિતગાર કર્યા હતાં.
માછીમારોમાં ટેકનોલોજીના ઉપયોગની જાગૃતિ કેળવવામાં આવી :વેરાવળ ખાતે ઈસરો incois icar અને cift હૈદરાબાદ દ્વારા એક સેમિનારનું આયોજન થયું હતું વર્ષમાં ચાર વખત આયોજિત થતાં આ સેમિનારમાં દરિયાઈ સંશોધન હવામાન સેટેલાઈટ મેપિંગ અને દરિયાઈ સુરક્ષા સાધનોની જાણકારી માટે ખાસ આયોજિત કરાય છે. પ્રથમ સેમિનાર મછલીપટનમમાં યોજાયો હતો. ત્યારબાદ વેરાવળમાં બીજો સેમિનાર પૂર્ણ થયો છે. ત્રીજો સેમિનાર મુંબઈમાં આગામી દિવસોમાં આયોજિત થનાર છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા જિલ્લાના માછીમારી અને ફીશરીઝ ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓ અને માછીમારોએ હાજર રહીને માછીમારી દરમિયાન સામે આવતા પડકારોમાંથી ટેકનોલોજીના સહારે કઈ રીતે બહાર આવી શકાય તે માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
હૈદરાબાદની incois સંસ્થા માછીમારીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંશોધનાત્મક માછીમારીની દિશામાં પહેલ કરી રહી છે જેનો ફાયદો માછીમારોને થાય તે માટે આ સેમિનારનું આયોજન કરાયું છે. આજના સેમિનારમાં સમગ્ર ભારતના દરિયાકાંઠા વિસ્તારમાં મળતી માછલીઓ કરતા સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો માછલીઓથી ખૂબ સમૃદ્ધ મનાય છે. જેને કારણે પણ આ સેમિનાર ખૂબ જ મહત્વનો મનાય છે. વધુમાં આજના સેમિનારમાં માછીમારો દ્વારા પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. માછીમારોને રોજગારી આપતો દરિયો સુરક્ષિત રહે તે માટે માછીમારો કામ કરી રહ્યા છે પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણને કારણે દરિયાઈ પ્રદૂષણમાં વધારો થયો છે જેના પર પણ ચિંતાઓ વ્યક્ત કરાઈ હતી.. ડો. ટી. એમ. બાલકૃષ્ણન નાયર(હૈદરાબાદ સ્થિત incois સંસ્થાના વડા)
રિસર્ચના પરિણામો કરાયા સાર્વજનિક :આજના સેમિનારમાં શામેલ થયેલા અને ખાસ કરીને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સતત સંશોધન કરેલા સિનિયર વૈજ્ઞાનિકો અને વિભાગના વડાઓ હાજર રહ્યા હતાં. વર્ષ દરમિયાન જે રિસર્ચ કરવામાં આવે છે તેના પરિણામો અંગે માછીમારો જાગૃત થાય તેમજ તમામ સંશોધનો માછીમારી દરમિયાન માછીમારોને મધ દરિયે ઉપયોગી થાય તે માટે આ સેમિનાર હતો. દરિયામાં કેવા પ્રકારની માછલીઓ સૌથી વધુ જોવા મળે છે, દરિયાના કયા વિસ્તારમાંથી માછીમારી દરમિયાન સારી માછલીઓ મળી શકે, આ તમામ પાસાંઓને ધ્યાને રાખીને માછીમારો ટેકનોલોજીનો ઉપયોગ કરીને માછીમારીને વધુ સરળ અને સુનિયોજિત કરી શકે છે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમીની હાર્ડવેર મારફતે માછીમારોને આગામી દિવસોમાં ખૂબ મોટી ટેકનોલોજીની મદદ મળવા જઈ રહી છે. નાનકડું એવું સાધન બોટમાં લગાવવાથી તે કોઈપણ પ્રકારની માહિતીનું આદાન અને પ્રદાન કરી શકશે. વધુમાં આ મશીન એકદમ સામાન્ય સંચાલનવાળું બનાવવામાં આવ્યું છે. માત્ર બે બટનોથી ચાલુ અને બંધ થતું આ મશીન નિરક્ષર માછીમાર પણ ઉપયોગ કરી શકશે. હાલ તે વન વે સિસ્ટમમાં કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં તે ટુ વે સિસ્ટમમાં કામ કરે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. વધુમાં આ મશીન આગામી 20 વર્ષની પરિસ્થિતિને ધ્યાને રાખીને બનાવાયું છે. જેથી ભારતમાં મધદરિયે માછીમારી કરતી 30 થી 35 હજાર બોટોને બિલકુલ સરળતાથી જેમીની હાર્ડવેર મશીન આપી શકાય...નિમિત કુમાર (પૃથ્વી મંત્રાલયના વૈજ્ઞાનિક )
સેટેલાઈટ થકી માછીમારો મેળવશે માહિતી : ખાસ આધુનિક ટેકનોલોજી માછીમારોને કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટેની માહિતી આપવામાં આવી હતી. જેમાં પૃથ્વી મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા જેમીની હાર્ડવેર દ્વારા માછીમારો મધદરિયે માહિતી મેળવી શકશે. આ હાર્ડવેર મોબાઈલ જેવું બનાવવામાં આવ્યું છે જે સેટેલાઈટ મારફતે બ્લુટ્રુથ દ્વારા કનેક્ટ થાય છે. જે ભારતમાં વિમાનન ઓથોરિટી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ગગન સેટેલાઈટ મારફતે કનેક્ટ કરવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. જે સાગરખેડુને મધદરિયે માછીમારી દરમિયાન દરિયામાં માછલીની શક્યતા, તોફાન, વાવાઝો,ડું અને વિપરીત પરિસ્થિતિમાં સીધો સરકારી એજન્સી સાથે સંકળાયને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે. આગામી દિવસોમાં જેમીની સાધન પ્રત્યેક બોટમાં લાગી શકે તે માટે પૃથ્વી મંત્રાલય કામ કરી રહ્યું છે.