ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે દુંદાળાદેવની સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે આસ્થા સાથે સ્થાપન અને પૂજન કરવામાં આવી રહ્યું છે. આજેથી 10 દિવસ સુધી ગણપતિ બાપાની સ્થાપના કરી અને વિઘ્નહર્તાની પૂજા કરવાનો અનેરો ઉત્સવ જૂનાગઢવાસીઓમાં જોવા મળ્યો હતો. તેને લઈને જૂનાગઢમાં ગણેશભક્તો દાદાની ભક્તિ કરી હતી.
જુનાગઢ-રાજકોટ ધોરીમાર્ગ પર માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા ઇગલ ગણેશ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યાં હતા. આજથી વર્ષો પહેલા ઇગલ સિમેન્ટ ફેક્ટરીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે ખોદકામ દરમિયાન દાદાની મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી. ત્યારથી અહીં ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે. ભક્તો ઇગલ ગણપતિના રૂપમાં દુદાળા દેવ ગણેશની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ગણપતિ દાદાનું સ્વયંભૂ સ્થાપન થયું હોવાના કારણે પણ ભક્તો ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. જેને કારણે આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ભક્તો ગણપતી દાદાના દર્શન કરીને અભિભૂત થયા હતા.