જૂનાગઢ: ગણપતિનો તહેવાર હવે ધીમે ધીમે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. સામાન્ય પરિવારો દ્વારા એકમાત્ર ગણપતિનું સ્થાપન કરાતું હોય છે. પરંતુ મરાઠી ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ગણપતિના સ્થાપનના ત્રીજા દિવસ બાદ તેમના પત્ની રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. આ પ્રકારે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણપતિના ઉત્સવની ધાર્મિક રીતે ઉજવણી થતી હોય છે તે મુજબ આ વખતે જૂનાગઢના મરાઠી પરિવારે પણ ધાર્મિક ઉજવણી કરી છે.

ગણપતિ સાથે તેમના પત્નીના વધામણા: મરાઠી ધાર્મિક પરંપરા અનુસાર ગણપતિ મહારાજના સ્થાપનાના ત્રીજા દિવસ બાદ તેમના પત્ની રિદ્ધિ અને સિદ્ધિને પરંપરાગત મરાઠી સંસ્કૃતિ અનુસાર તેમના વધામણા કરવામાં આવતા હોય છે. આ દિવસે તેમને બાજરાનો રોટલો અને સુવાની ભાજી પ્રસાદ તરીકે અર્પણ કરવાની મરાઠી પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. રિદ્ધિ અને સિદ્ધિના સ્થાપનના ત્રીજા દિવસ બાદ તેમને વિદાય આપવામાં આવે છે. આ દિવસે પણ ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણની વચ્ચે ગણપતિ મહારાજના પત્ની રિદ્ધિ અને સિદ્ધિને દહીં ભાત અને ખાંડનો પ્રસાદ આપવાની મરાઠી પરંપરા અનુસાર ઉત્થાપન થતું હોય છે.

સાંસ્કૃતિક રસમ યોજાઈ: મરાઠી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા અનુસાર ગણપતિ મહારાજના સ્થાપના ત્રીજા દિવસ બાદ માતાજીના વધામણા અને તેમના સ્થાપન પ્રસંગે મહારાષ્ટ્રની ધાર્મિક અને સાંસ્કૃતિક એવી જીમાં અને ફૂગડીના રાસ મરાઠી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કરીને સ્થાપનના વધામણા કરવામાં આવતા હોય છે. ત્રણ દિવસ સુધી મરાઠી મહિલાઓ જ્યાં ગણપતિ મહારાજની સાથે તેમના પત્ની રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન કરેલું હોય છે ત્યાં મરાઠી સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ ગરબાનું પણ આયોજન કરીને અનોખી રીતે ખુશી વ્યક્ત કરતી હોય છે.