- જૂનાગઢ વંથલીના નવડા ગામમાં ખેડૂતોએ ઉબેણ નદીનું પૂજન કર્યું
- નવડા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી
- નદીઓના પ્રદૂષિત પાણીના વિરોધમાં ખેડૂતોએ રેલી કાઢી
જૂનાગઢઃ જૂનાગઢના અનેક ગામમાં કેમિકલયુક્ત પાણીના કારણે નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે. આના વિરોધમાં ખેડૂતોએ રેલી કાઢી હતી. સોરઠ પંથકમાં આવેલી નદીઓમાં કેમિકલયુક્ત દુષિત પાણીને લઈને ભારે વિરોધના સૂર ઊઠયા છે. જેતપુરના ડાઈંગ ઉદ્યોગ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી નદીઓમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. આ પ્રદૂષણના કારણે પાણી લાલ રંગનું થઈ જતું હોય છે. પાણી પીવાલાયક નથી રહેતું. પ્રદૂષિત પાણીને લઈને આજુબાજુના ગામોના બોર કૂવાના તાળને પણ અસર કરે છે. કેમિકલયુક્ત પાણીના કારણે લોકો અનેક પ્રકારના રોગનો ભોગ બની રહ્યા છે. પશુધનને ચામડીના રોગ તથા ગર્ભ ધારણ પર ગંભીર અસર જોવા મળી છે. લાખો એકર જમીન કેમીકલયુકત પાણીના કારણે બરબાદ થાય છે. આથી ખેતી અને ખેડૂતને નુકસાન થાય છે. આ બાબતે ધણા લાંબા સમયથી વિરોધનો સૂર ઊઠ્યો હતો.
બાવન ગામમાં નદીનું પૂજન કરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો
નદીઓને પ્રદૂષિત થતી અટકાવવાના મુદે ખેડૂત હિતરક્ષક સમિતિએ ગામ લોકો સાથે બેઠક કરીને બાવન ગામમાં નદીનું પૂજન કરી જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. આજે વંથલી તાલુકાના નાવડા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી ઉબેણ નદીનું પૂજન કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો અને ગામ લોકો જોડાયા હતા.