જુનાગઢ: ગઈ કાલે જૂનાગઢમાં ઇતિહાસનો સૌથી ધોધમાર અને સાબેધાર વરસાદ પડ્યો છે. જેને કારણે જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક ગામો પુરગ્રસ્ત બન્યા હતા. પાણી ઓસરી ગયા બાદ હવે ઠેર ઠેર નુકસાનીનો ચિતાર સામે આવી રહ્યો છે.
24 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા: જૂનાગઢના સૌથી અસરગ્રસ્ત એવા રાયજી નગર વિસ્તારમાં આજે પણ વરસાદ બંધ રહ્યાને 24 કલાક બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે પણ બે ફૂટ કે તેથી વધારે વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. જેમાં મોટાભાગની કાર અને બાઇકો ડૂબેલા જોવા મળી રહ્યા છે. આજે જોવા મળતું પાણી ગઈકાલે કેટલી હદે આ વિસ્તારમાં ફરી વળ્યું હશે તેનો ચિંતાજનક ચિતાર પણ રજૂ કરે છે. આજે સવારથી સામાજિક સંસ્થાઓ અને કોમ્પ્લેક્સના રહીશો દ્વારા શક્ય હોય તેટલી તમામ વ્યવસ્થાઓ પોતાની જાતે ઊભી કરીને પાણીથી મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું છે.
ઘેડના 15 જેટલા ગામો પૂરગ્રસ્ત: જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારના તેમજ કેશોદ તાલુકા સહિતના 15 જેટલા ગામોના સંપર્ક તૂટી ચૂક્યા છે. ચોમાસામાં સતત બીજી વખત જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગામોના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળે છે. આ જ પ્રકારે જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. જેનું હજુ સુધી કોઈ કાયમી સમાધાન થયું નથી.
સ્થાનિકે વ્યક્ત કરી નારાજગી: મટીયાણા ઘેડના સ્થાનિક સરમણ ભાઈ એ વગર વરસાદે ઘેડમાં ફરી ભરેલા પાણીને કારણે નારાજગી વ્યક્ત કરી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ચોમાસા દરમિયાન ઘેડનું જનજીવન અસ્તવ્યસ્ત બની જાય છે. ઘરની બહાર નીકળતા પૂર્વે જાણે કે પાણીની મંજૂરી લેવી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો ઘેડમાં દર ચોમાસા દરમિયાન સર્જાય છે જેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.